- લાલ દરવાજા માર્કેટ ખરીદદારોથી ઉભરાયું
- દિવાળીના માહોલ વચ્ચે બજારમાં ખરીદીની ધૂમ
- ચોરોએ કિંમતી ચીજો અને બાળકો ઉઠાવ્યા છતાં લોકોને ખબર ન પડી
અમદાવાદમાં હાલના દિવસોમાં ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો છે. ખાસ કરીને દિવાળીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી હોવાથી લોકો ખરીદીએ નીકળ્યા હતા. હાલમાં શહેરના પ્રખ્યાત એવા લાલદરવાજા, રિલીફ રોડ અને ભીડભંજન માર્કેટ જેવા વિસ્તારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ભીડમાં અનોખા ચોરોએ આજે ઘણો જ આતંક મચાવ્યો હતો. તેમણે શહેરીજનોની નજર ચૂકવી તેમના બાળકો, પર્સ, દાગીના બધું જ ચોરી લીધું હતું.
મહત્વનું છે કે આ ચોરો ખૂબ જ અનોખા ચોર હતા. હકીકતે આ કોઈ ચોર નહીં પરંતુ સાદા વેશમાં આવેલા અમદાવાદ પોલીસના જવાનો અને કર્મચારીઓ હતા અને શહેરીજનોની નજર ચૂકવીને તેમના બાળકો, પાકિટ, પર્સ, પાઉચ, દાગીના જેવી અનેક કિંમતી ચીજો તેમણે ચોરી લીધી હતી. આ ખરેખર તો એક સ્પેશિયલ ડ્રાઈવ હતી જેના અનુસાર પોલીસે શહેરવાસીઓની સતર્કતાને ચેક કરી હતી. પરંતુ અફસોસ આ મામલે શહેરીજનો ખૂબ જ બેદરકાર જોવા મળ્યા હતા.
અમદાવાદ પોલીસની કાર્યવાહીમાં દિવાળીની ખરીદીમાં શહેરીજનો વ્યસ્ત અને ચોર લૂંટારાઓ મસ્ત જોવા મળ્યા હતા. લોકોની નજર ચૂકવીને પોલીસકર્મીઓએ સાદા કપડાં પહેરી શહેરીજનોની જાગૃતતા ચકાસી હતી. હકીકતે આ કારંજ અમદાવાદ પોલીસનો એક અનોખો પ્રયાસ હતો. જો કે હાલમાં દિવાળીની ખરીદમાં વ્યસ્ત ખરીદદારો પોતાની ચીજો અને બાળકોને લઈને ઘણાં જ બેદરકાર જોવા મળ્યા હતા. સાદા વેશમાં આવેલા પોલીસ કર્મચારીઓએ ખરીદી કરનારની ચીજવસ્તુઓ અને બાળકોની ઉઠાંતરી કરી લીધી તેમ છતાં શહેરીજનો અજાણ હતા. આમ દિવાળીના માહોલમાં માર્કેટમાં ખરીદી કરવા આવનારા ગ્રાહકો પોતાની ચીજવસ્તુઓ પ્રત્યે બેદરકાર જોવા મળ્યા હતા.
સૌથી મોટા અને એવા દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના સૌથી મોટા બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે. જેમાં અમદાવાદનું ભદ્ર પાસેનું પાથરણાં બજાર ખરીદી માટે જાણીતું છે ત્યાં સૌથી વધુ ભીડ જોવા મળી છે. દિવાળી પહેલા બજારોમાં ધૂમ મચી ગઈ છે. જેમાં પણ લાલદરવાજા ખાતે પગ મુકવાની પણ જગ્યા ન હોય ભીડ જોવા મળી રહી છે. પરિવાર સાથે લોકો દિવાળીની ખરીદી કરવા પહોંચ્યા છે. દિવાળી પહેલા ખરીદીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘરવખરીનો સામાન, કપડાં સહિતની નાની મોટી વસ્તુઓ ખરીદવા લોકોની ભીડ જામી છે.
એટલું જ નહીં દિવાળી પહેલાના છેલ્લા રવિવારે લોકો કરી ખરીદી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભદ્રના બજારમાં અમદાવાદ અને અમદાવાદ આસપાસના લોકો ખરીદી માટે આવ્યા હતા. આ બજારમાં નાની સોયથી લઈને ઘર વખરી સુધીની તમામ વસ્તુઓ નજીવી કિંમતે મળી રહે છે. જેથી લોકો આ માર્કેટમાં આવીને ખરીદી કરવાનું પસંદ કરે છે. તહેવાર પહેલા લોકો બજારોમાં ખરીદી કરવા પહોંચ્યા છે.


