- બિલમાં સેંકડો પેલેસ્ટિનીઓના વિઝા, રેફ્યૂજી સ્ટેટસ રદ કરવા પ્રસ્તાવ
- પહેલી ઓક્ટો. પછી અપાયેલા વિઝા, શરણાર્થી કે આશ્રાય દરજ્જો રદ કરવાની જોગવાઇ
- બિલ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફેર્સમેન્ટને સીધા આદેશ આપે છે
અમેરિકામાં વિપક્ષ રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ પેલેસ્ટિનીઓને દેશમાંથી તગેડી મૂકવાની યોજના ઘડી છે. રિપ્રેઝન્ટેટિવ રેયાન ઝિંકેએ એક બિલ રજૂ કર્યું છે, જેમાં સંખ્યાબંધ પેલેસ્ટિનીઓના વિઝા અને રેફ્યૂજી સ્ટેટસ રદ કરવાનો પ્રસ્તાવ છે. સેફ્ગાર્ડિંગ અમેરિકન્સ ફ્રોમ એક્સ્ટ્રીમિઝમ એક્ટ મુજબ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા પાસપોર્ટ ધરાવતા કોઈ પણને વિઝા કે શરણાર્થી, આશ્રાય અથવા ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ આપવાથી દૂર રહેવાની જરૂર પડશે. ગત પહેલી ઓક્ટોબર પછી અપાયેલા વિઝા અને શરણાર્થી કે આશ્રાય દરજ્જો રદ કરવાની પણ તેમાં જોગવાઇ છે.
આ બિલ ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફેર્સમેન્ટને સીધા આદેશ આપે છે કે જેઓ નવા માપદંડ હેઠળ દેશમાં તેમની કાયદેસર સ્થિતિ ગુમાવે છે તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવે. તમામ પેલેસ્ટિનીઓને હમાસ સાથે સાંકળતા નિવેદનમાં ઝિન્કેએ જણાવ્યું હતું કે આ મેં જોયેલો આકરામાં આકરો હમાસ વિરોધી ઇમિગ્રેશન કાયદો છે અને વેલ ડિઝર્વ્ડ છે.
ઇમિગ્રેશનમાં આ ધરખમ જાતિવાદી ફેરફાર માટેના બિલના સમર્થનમાં તેમણે છેલ્લા ચાર વર્ષના કેટલાક ન્યૂઝ આર્ટિકલ્સ ટાંક્યા હતા, જેમને પેલેસ્ટિનીઓ સાથે કે અમેરિકાને ધમકીઓ સાથે કોઈ લેવાદેવા નહોતી.
આ કટ્ટરપંથી બિલ માર્જોરી ટેલર ગ્રીન જેવા અમેરિકી સંસદના કટ્ટર જમણેરી સભ્યો દ્વારા સહ-પ્રાયોજિત છે, જેમણે આ અઠવાડિયે સંસદના એકમાત્ર પેલેસ્ટિની અમેરિકન સભ્યની નિંદા કરવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો. છેલ્લા એક મહિનાથી રિપબ્લિકન્સ ગાઝા પર ઇઝરાયેલના યુદ્ધના બહાને લોકોને દેશનિકાલ કરવા કાગારોળ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ક્રૂર મુસ્લિમ બૅનને પુનર્જીવિત કરવાનું અને હમાસને સમર્થન આપનારાઓને હાંકી કાઢવાનું વચન આપ્યું છે.
ભારતે ઇઝરાયેલ પર હુમલા માટે હમાસને જવાબદાર ઠેરવવાનું ટાળ્યું
ભારતે શનિવારે પહેલીવાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં હમાસને એક પક્ષ તરીકે માન્યતા આપી. સાથોસાથ ભારતે 7 ઓક્ટોબરના આતંકવાદી હુમલાના જવાબરૂપે ગાઝા પટ્ટી પર આક્રમણમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવા ઇઝરાયેલને તાકીદ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનક વચ્ચે ફોન પર વાતચીત થયા બાદ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓએ પશ્ચિમ એશિયાના ઘટનાક્રમો અને ઇઝરાયેલ-હમાસ ઘર્ષણ અંગે ચર્ચા કરી હતી. જોકે વિદેશ મંત્રાલયની અખબારી યાદીમાં ઇઝરાયેલ પરના 7 ઓક્ટોબરના આતંકી હુમલા માટે હમાસને જવાબદાર ઠેરવવાનું ટાળવામાં આવ્યું હતું.
ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂએ મંત્રીને સસ્પેન્ડ કર્યા
ઇઝરાયેલી સરકારમાંના ઘુર વામપંથી ઓત્ઝમા યેહુદિત પાર્ટીના મંત્રી એલિયાહૂએ ઇઝરાયેલની પરમાણુનીતિ અંગે કહ્યું હતું કે હમાસશાસિત ગાઝા પટ્ટી પર અણુ બોમ્બ ઝીંકવો એક વિકલ્પ હતો. સરકારી બેઠકોમાં અણુ બોમ્બ હુમલાની નેતાની આ ચર્ચાથી ઇઝરાયેલી વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ નારાજ થઈ ગયા હતા. તેમણે મંત્રી એલિયાહૂને તત્કાળ સસ્પેન્ડ કરી દીધા હતા.
પેલેસ્ટિનીઓના સમર્થનમાં અમેરિકામાં ઠેરઠેર દેખાવો
ઇઝરાયેલ પર હમાસે ગત 7 ઓક્ટોબરે કરેલા આતંકી હુમલાના જવાબમાં ઇઝરાયેલી દળો ગાઝા પટ્ટીમાં જે હદે અને જે પ્રકારે હુમલા કરી રહ્યા છે તેના વિરોધમાં શનિવારે અમેરિકાના ઘણા શહેરોમાં લોકોએ દેખાવો કર્યા હતા. આ દેખાવોમાં પેલેસ્ટિનીઓના સમર્થનમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વોશિંગ્ટન, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, નેશવિલે, ટેનેસી, સિનસિનાટી, લાસ વેગાસ, ઓરોનો, મેઇને, પ્રોવો (ઉટાહ) સહિતના શહેરોમાં થયેલા દેખાવો આખો દિવસ ચાલ્યા હતા.


