- મહત્વના મુદ્દાઓને લઇ ભારત અને US વચ્ચે થઇ વિચાર-વિમર્શ
- રક્ષામંત્રી રાજનાથ સિંહ અને એસ.જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે
- બંને દેશો સંરક્ષણ, સુરક્ષા, ટેક્નોલોજી મુદ્દે સહયોગની સમીક્ષા કરશે
ભારત અને યુએસ વચ્ચે પાંચમી મંત્રી સ્તરની મહત્વની યોજનાને લઇ શુક્રવારે બેઠક યોજાશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર વાટાઘાટોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિન અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વાટાઘાટો દરમિયાન, બંને દેશો સંરક્ષણ, સુરક્ષા, ટેક્નોલોજી અને લોકો-થી-લોકો સંપર્ક વધારવામાં ચાલી રહેલા સહયોગની સમીક્ષા કરશે.
બંને દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે ગયા જૂન અને સપ્ટેમ્બરમાં થયેલી ચર્ચાઓના આધારે ભારત-યુએસ ભાગીદારીના ભાવિ રોડમેપ પર ચર્ચા કરશે. આ ઉપરાંત સમકાલીન પ્રાદેશિક મુદ્દાઓ અને ક્વાડ જેવા પ્લેટફોર્મ પર વધતા સહકાર પર પણ ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ અવસર પર બંને દેશોના મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે.
બંને પક્ષો ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સહિત સંરક્ષણ ઉપકરણોના વિકાસ સાથે સંબંધિત સંયુક્ત સાહસો અંગે પણ ચર્ચા કરશે. આ સિવાય ફાઈટર પ્લેન, MQ પ્રિડેટર ડ્રોન અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના એન્જિનને લઈને ચાલી રહેલી વાતચીતને પણ આગળ વધારવામાં આવશે. બંને દેશો વચ્ચે 2018થી મંત્રી સ્તરીય ટુ પ્લસ ટુ સંવાદ ચાલી રહ્યો છે.


