- વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
- ભારતીય ક્રિકેટ ટીમે સેમીફાઈનલ માટે કર્યું છે ક્વોલિફાઈ
- ન્યૂઝીલેન્ડના બોલરે ભારતીય ટીમને આપી ચેતવણી
વર્લ્ડકપ 2023નો હવે અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. સેમીફાઈનલનું ચિત્ર પણ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. અત્યાર સુધી ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો સેમીફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવીને સેમીફાઇનલની ચોથી ટીમ માટે મજબૂત દાવેદારી નોંધાવી છે.
ભારત-ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલમાં આવી શકે આમને-સામને
હવે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ભારત સાથે થશે તે લગભગ નિશ્ચિત છે. જેને લઈને ન્યૂઝીલેન્ડના બોલર્સની પહેલાથી જ ટીમ ઈન્ડિયા પર નજર મંડાઈ છે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમે આ પહેલા એક વખત ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે, પરંતુ સેમીફાઇનલ માટે ન્યૂઝીલેન્ડના બોલરોનું માનવું છે કે, આ વખતે અમે ડીલ કરવા માટે તૈયાર છીએ.
ટ્રેન્ટ બોલ્ટની ટીમ ઈન્ડિયાને ચેતવણી!
શ્રીલંકાને હરાવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં બોલતા ન્યૂઝીલેન્ડ ટીમના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે, ભારતીય ટીમ સારું ક્રિકેટ રમી રહી છે પરંતુ આ વખતે અમે તેમની સારી રમતનો સામનો કરવા તૈયાર છીએ. અમે આ મેચ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ અને ભારતીય ધરતી પર સેમીફાઇનલમાં તેમનો સામનો કરવો ઘણો પડકારરૂપ હશે. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ એક વખત આમને-સામને આવ્યા હતા. આ મેચ ધર્મશાળાના મેદાન પર રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાની 4 વિકેટે જીત થઈ હતી.
2019ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની થઈ હતી હાર
ઉલ્લેખનીય છે કે, 2019ના વનડે વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને હરાવ્યું હતું. 2019ની હાર હજુ પણ ફેન્સના દિલમાં ફરી ચિંતા અને તણાવ પેદા કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ICC ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં ટીમ ઈન્ડિયા ક્યારેય ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. જો કે, આ વખતે ટીમ ઈન્ડિયા તેની તમામ મેચો જીતીને આવી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, ભારતીય ટીમ છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને હરાવીને અજેય સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.


