- શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ
- ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ કરી કાર્યવાહી
- શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતા તાત્કાલિક અસરથી રદ
વર્લ્ડકપ 2023માં શ્રીલંકન ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. શ્રીલંકન ટીમે વર્લ્ડકપમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. જેની અસર હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં પણ જોવા મળી રહી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડની ગવર્નિંગ કમિટી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જેના કારણે ICCએ તેની સદસ્યતા રદ કરી દીધી છે. અત્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વા છે. જે છેલ્લા ઘણા સમયથી શ્રીલંકન ક્રિકેટમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે.
ICCએ ટ્વીટ કરીને આપી માહિતી
ICCએ જાહેરાત કરી કે, તેણે સરકારની દખલગીરીને કારણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડની સદસ્યતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. વર્લ્ડકપમાં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ શ્રીલંકાની સરકારે SLCને બરતરફ કરી દીધી છે, જ્યાં તે સેમીફાઇનલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી અને નવમાંથી સાત મેચ હારી હતી.
શ્રીલંકાના રમતગમત મંત્રીએ કર્યો હતો ભ્રષ્ટાચારનો આક્ષેપ
આ પહેલા શ્રીલંકાના રમતગમત મંત્રી રોશન રણસિંઘે બોર્ડ પર વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચૂંટાયેલા સભ્યોને બરતરફ કર્યા અને તેમના સ્થાને પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાના નેતૃત્વમાં વચગાળાની સમિતિ બનાવી હતી.
વર્લ્ડકપ 2023માં ટીમનું ખરાબ પ્રદર્શન
વર્લ્ડકપ 2023માં શ્રીલંકાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ ટૂર્નામેન્ટમાં માત્ર 2 મેચ જીતી શકી છે. ભારત સામેની મેચમાં શ્રીલંકાની ટીમને 302 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં ઉથલ-પાથલ શરૂ થઈ છે.


