- કુસલ મેન્ડિસે વિરાટ કોહલીની માફી માંગી
- મેન્ડિસે અભિનંદન ન પાઠવવા બદલ માફી માંગી
- વિરાટ કોહલીએ ODIમાં 49 સદી ફટકારી
વર્લ્ડકપ 2023 શ્રીલંકાની ક્રિકેટ ટીમ માટે કંઈ ખાસ સારો રહ્યો નથી અને તે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ વર્લ્ડકપમાં ભારતીય ટીમનો વિજય રથ જારી રહ્યો છે. ખાસ કરીને ટીમનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. તેણે સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં તેની ODI કારકિર્દીની 49મી સદી ફટકારી હતી અને આજે તેણે નેધરલેન્ડ સામે 51 રનની મહત્વની ઈનિંગ પણ રમી હતી.
કુસલ મેન્ડિસે કોહલીની માફી માંગી
આ સદી સાથે તેણે સચિન તેંડુલકરના વનડેમાં સૌથી વધુ 49 સદીના સ્કોર સાથે બરાબરી કરી લીધી. આ ખાસ સિદ્ધિ બદલ સમગ્ર ક્રિકેટ જગતે વિરાટને અભિનંદન પાઠવ્યા હતા. જો કે, વિરાટ કોહલીની 49મી સદી પર પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કુસલ મેન્ડિસને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે, શું તમે કોહલીને અભિનંદન આપવા માંગો છો. જેની સામે કુસલે સીધું કહ્યું કે, હું શા માટે તેને અભિનંદન આપું? હવે કુસલ મેન્ડિસે આ નિવેદન પર માફી માંગી છે. એશિયન મિરર સાથે વાત કરતા કુસલ મેન્ડિસે કહ્યું, ‘પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મને ખબર ન હતી કે વિરાટ કોહલીએ તેની 49મી ODI સદી ફટકારી છે. જ્યારે પત્રકારે મને અચાનક આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે મને શું કહેવું તે સમજાયું નહીં. હું તેનો પ્રશ્ન સમજી શક્યો નહીં. 49 સદી ફટકારવી સરળ નથી. મેં જે પણ કહ્યું તે ખોટું હતું, મને તેનો સંપૂર્ણ અહેસાસ છે.
વિરાટ કોહલીનું વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન
આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના શાનદાર ફોર્મમાં છે. તેણે આજની મેચમાં નેધરલેન્ડ સામે 51 રનની ઈનિંગ રમી હતી. જો કે ચાહકોને પૂરી આશા હતી કે વિરાટ કોહલી આ મેચમાં સદી ફટકારશે, પરંતુ એવું થઈ શક્યું નહીં અને તે આઉટ થઈ ગયો. વિરાટ કોહલીએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 2 સદી ફટકારી છે. હવે બધાને આશા છે કે કોહલી ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં જોરદાર ઇનિંગ રમશે.


