- વર્લ્ડકપ 2023માં જાડેજાએ રચ્યો ઈતિહાસ
- જાડેજાએ કુંબલે અને યુવરાજનો રેકોર્ડ તોડ્યો
- નેધરલેન્ડ વિરુદ્ધ મેચમાં સિદ્ધિ પ્રાપ્ત કરી
વર્લ્ડકપ 2023માં રવિવારે રવિન્દ્ર જાડેજાએ એક ખાસ સિદ્ધિ મેળવી છે. જાડેજા વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય સ્પિનર બન્યો છે. આ રેકોર્ડ બનાવવા માટે તેને બે વિકેટની જરૂર હતી, જે તેણે નેધરલેન્ડ સામે પ્રાપ્ત કરી હતી.
જાડેજાએ 49 રન આપીને 2 વિકેટ લીધી
નેધરલેન્ડ સામેની મેચમાં જાડેજાએ 9 ઓવર નાખીને 49 રન આપ્યા હતા. સાથે જાડેજાએ 2 વિકેટ પણ લીધી હતી. સૌથી પહેલા તેણે મેક્સ ઓ’ડાઉડને બોલ્ડ કર્યો હતો. આ વિકેટ મેળવીને તેણે અનિલ કુંબલે અને યુવરાજ સિંહના વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવાના ભારતીય સ્પિનરના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. જે બાદ જાડેજાએ વેન ડેર મરવેને પેવેલિયન મોકલીને બંને દિગ્ગજોને પાછળ છોડી દીધા હતા.
રવિન્દ્ર જાડેજાએ લીધી 16 વિકેટ
રવિન્દ્ર જાડેજાના નામે આ વર્લ્ડકપમાં હવે 16 વિકેટ છે. જાડેજાએ 9 મેચમાં 18.25ની બોલિંગ એવરેજ અને 3.97ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બોલિંગ કરતી વખતે આ વિકેટો લીધી છે.
કુંબલેએ 1996માં યુવરાજે 2011માં કર્યું હતું કારનામું
જાડેજા પહેલા એક વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલે અને યુવરાજ સિંહના નામે હતો. અનિલ કુંબલેએ 1996ના વર્લ્ડકપમાં 15 વિકેટ લીધી હતી, જ્યારે યુવરાજ સિંહે વર્લ્ડકપ 2011માં 15 વિકેટ લીધી હતી. અહીં ખાસ વાત એ છે કે, આ બંને વર્લ્ડકપ ભારતની સહમેજબાનીમાં રમવામાં આવ્યા હતા.
જાડેજા પાસે આ રેકોર્ડને વધુ મોટો કરવાની તક
ભારતીય ટીમે હવે સેમિફાઈનલ મેચ રમવાની છે. આ પછી જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે તો જાડેજા પાસે વધુ બે મેચ હશે. અહીં પણ જાડેજા વિકેટ લઈને પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કરી શકે છે.
કુલદીપ યાદવે પણ 14 વિકેટ લીધી
જાડેજાની સાથે કુલદીપ યાદવ પણ આ વર્લ્ડકપમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. કુલદીપે અત્યાર સુધીમાં 14 વિકેટ લીધી છે. જેથી કુલદીપ યાદવ પાસે પણ સેમિફાઇનલ મેચમાં અનિલ કુંબલે અને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડવાની તક છે.


