- નેધરલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની શાનદાર જીત
- ભારતના 9 ખેલાડીઓએ બોલિંગમાં અજમાવ્યો હતો હાથ
- વિરાટ અને રોહિતને મળી હતી 1-1 વિકેટ
નેધરલેન્ડ વિરુદ્ધ ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉપરાંત 9 ખેલાડીઓએ બોલિંગ કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉપરાંત શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને જસપ્રીત બુમરાહે બોલિંગમાં હાથ અજમાવ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ મેચમાં વિકેટ લેવામાં સફળતા મળી હતી, ત્યારે હવે ભારતીય ટીમના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભારતીય ટીમના બોલિંગ કોચે શું કહ્યું?
પારસ મ્હામ્બ્રેએ કહ્યું કે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ સહિત લગભગ તમામ ખેલાડીઓ નેટ્સમાં બોલિંગની પ્રેક્ટિસ કરે છે, પરંતુ આજે અમે તેમને મેચમાં બોલિંગ કરતા જોયા હતા. વિરાટ કોહલીએ જે રીતે વિકેટ લીધી તે પ્રશંસનીય છે, તેના પૂરતા વખાણ કરી શકાય તેમ નથી. તેમણે એમ પણ કહ્યું કે, વિરાટ કોહલી જરૂર પડ્યે સારી બોલિંગ કરી શકે છે. ખાસ કરીને જમણા હાથના બેટ્સમેનો સામે તેની ઝલક નેધરલેન્ડ સામે બેંગ્લોરમાં જોવા મળી હતી.
શુભમન ગિલ અને સૂર્યકુમાર બોલિંગ શીખી રહ્યા છે-બોલિંગ કોચ
જે બાદ પારસ મ્હામ્બ્રેએ શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવની બોલિંગ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ઝડપથી શીખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર સિવાય અન્ય 9 ખેલાડીઓએ નેધરલેન્ડ સામે ભારત માટે બોલિંગમાં હાથ અજમાવ્યો હતો. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને જસપ્રીત બુમરાહ સામેલ છે. વિરાટ કોહલી અને રોહિત શર્માને 1-1 સફળતા મળી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.


