- આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ સેમીફાઈનલ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ પહેલાં કેન વિલિયમસન્સનું મોટું નિવેદન
આ વર્લ્ડકપની પ્રથમ સેમીફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મોટી મેચ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે, ભારત સામે તેમને આકરા પડકારનો સામનો કરવો પડશે. 2019ના વર્લ્ડકપની સેમીફાઈનલમાં કેન વિલિયમસનની ટીમ ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવીને સેમીફાઈનલમાંથી બહાર કરી હતી. હવે ફરી એક વખત કેન વિલિયમસન પોતાની ટીમ સાથે ભારત સામે આવ્યો છે.
સેમીફાઈનલ મેચ પહેલા કેન વિલિયમસને શું કહ્યું?
આ મોટી મેચમાં રમતા પહેલા કેન વિલિયમસને પત્રકાર પરિષદ કરી હતી. જેમાં કેન વિલિયમસન્સને પૂછવામાં આવ્યું કે, ન્યૂઝીલેન્ડ કેમ્પની હાલત કેવી છે. આ પ્રશ્નનો જવાબ આપતા ન્યૂઝીલેન્ડના કેપ્ટને કહ્યું કે, હા, પરિસ્થિતિ સારી છે. અમારા મોટાભાગના ખેલાડીઓ આ સ્ટેડિયમમાં અને આટલા મોટા પ્રસંગે મેચ રમ્યા નથી. તે અમારા માટે મુશ્કેલ પડકાર હશે. બીજી તરફ ભારતીય ટીમ સારૂં ક્રિકેટ રમી રહી છે, પરંતુ તે માત્ર એક દિવસની વાત છે. અમે પણ સારું ક્રિકેટ રમ્યા છીએ. અમે આ મેચ માટે ઉત્સાહિત છીએ.
2019ના સેમીફાઈનલમાં ભારતની થઈ હતી હાર
ઉલ્લેખનીય છે કે, ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમ હંમેશા ભારતને પરેશાન કરે છે. 2003 વર્લ્ડકપ પછી 2023 ICC ટૂર્નામેન્ટના લીગ તબક્કામાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળતા મેળવી હતી. વચ્ચેના 20 વર્ષમાં ટીમ ઈન્ડિયા ICC ટૂર્નામેન્ટની એક પણ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી શકી નથી. 2019 વર્લ્ડકપ સેમીફાઇનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 239 રનમાં આઉટ કરી દીધી હતી, પરંતુ ભારતીય ટીમ માત્ર 221 રન જ બનાવી શકી હતી અને 18 રને મેચ હારી જતાં સેમીફાઇનલમાંથી બહાર થઈ ગઈ હતી. તે મેચ મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી અને તેના આઉટ થયા બાદ ભારતીય ફેન્સની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. હવે એ જોવાનું રહેશે કે શું ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં પોતાની હારનો બદલો લઈ શકશે કે નહીં.


