જસદણમાં 30 વર્ષીય રત્ન કલાકારે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ઘરે એકલો હતો ત્યારે ઘઉંમાં નાખવાની દવા પી લીધી : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણમાં રહેતા 30 વર્ષીય હીરા ઘસવાના કારીગરે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં રહેતા સુનિલ રવાભાઈ ગાબૂ (ઉં.30) ગત તા.11 ઓગસ્ટના રોજ સવારે આશરે 10 વાગ્યાના અરસામાં ઘરે એકલો હતો. પરિવારજનોની ગેરહાજરીમાં તેણે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. બાદમાં મોટાભાઈ ઘરે પરત ફર્યા ત્યારે સુનિલની તબિયત લથડેલી જોવા મળી હતી. પૂછપરછ કરતાં સુનિલે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. આથી પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેને જસદણની રામાણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તબિયતમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
સુનિલ હીરા ઘસવાનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ત્રણ ભાઈ-બહેનમાં તે સૌથી નાનો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જસદણ પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


