- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલની મેચ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમ આમને-સામને
- વિરાટ કોહલી આજે તોડી શકે સચિનનો રેકોર્ડ
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ સેમીફાઈનલ મેચ રમાઈ રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ ફેન્સની નજર વિરાટ કોહલી પર ટકેલી છે. અહીં ભારતીય ફેન્સ ટીમ ઈન્ડિયાના મેચ જીતવાની પ્રાર્થના સાથે વિરાટની 50મી સદી માટે પણ પ્રાર્થના કરી રહી રહ્યા છે.
સમગ્ર દેશ વિરાટની સદીની જોઈ રહ્યો છે રાહ
આખો દેશ વિરાટની 50મી સદીની રાહ જોઈ રહ્યો છે. ખાસ કરીને હવે જ્યારે સેમીફાઇનલ મેચ છે અને તે પણ એક એવી ટીમ સામે કે જેણે ભારતનું છેલ્લી વખત ટ્રોફી જીતવાનું સપનું તોડ્યું હતું, ત્યારે વિરાટ પાસેથી અપેક્ષાઓ વધુ વધી જાય છે. ભારતીય ફેન્સને વિરાટ પાસેથી આશા હશે કે તે આજે આ શાનદાર મેચમાં સદી ફટકારીને વનડેમાં સચિનનો સદીનો રેકોર્ડ તોડે. ફેન્સ માટે, ટીમ ઈન્ડિયા માટે અને વિરાટ માટે આનાથી સારી તક ભાગ્યે જ હશે.
સચિનનો રેકોર્ડ તોડવાથી એક સદી દૂર છે વિરાટ
કોહલીએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 49 સદી ફટકારી છે. અત્યારે તે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે સચિન તેંડુલકર સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન ધરાવે છે. જો તે આજે સદી ફટકારે છે તો તે સચિનનો વનડે સદીનો રેકોર્ડ તોડી નાખશે જે અશક્ય માનવામાં આવતો હતો.
વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીના આંકડા
વિરાટ કોહલીએ તેના કરિયરમાં અત્યાર સુધી 290 વનડે મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 278 ઈનિંગમાં 58.44ની બેટિંગ એવરેજ અને 93.54ની સ્ટ્રાઇક રેટથી 13 હજાર 677 રન બનાવ્યા છે. તેના ખાતામાં 49 સદી અને 71 ફિફ્ટી છે. વિરાટે સચિન સામે બહુ ઓછી મેચ રમીને સદીના આ આંકડાને સ્પર્શ કર્યો છે. વનડેમાં બેટિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટના મામલે તે માસ્ટર-બ્લાસ્ટર કરતા ઘણો આગળ છે. જો કે, સૌથી વધુ રનના મામલે વિરાટ હજુ પણ સચિન તેંડુલકરથી દૂર છે.


