- પાકિસ્તાન ક્રિકેટ ટીમે નવા કેપ્ટનની જાહેરાત કરી
- શાહિન શાહ આફ્રિદીને T20નો કેપ્ટન બનાવ્યો
- શાન મસૂદને ટેસ્ટ ફોર્મેટની જવાબદારી મળી
વર્લ્ડકપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ટીમમાં ઘણી મોટી ઉથલપાથલ અને ફેરફારો જોવા મળ્યા હતા. પહેલા બોર્ડમાં ભૂકંપ આવ્યો અને પછી ત્રણેય ફોર્મેટમાં નિયમિત કેપ્ટન રહેલા બાબર આઝમે કેપ્ટનશિપમાંથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. બાબર બાદ શાહીન શાહ આફ્રિદીને T20 અને શાન મસૂદને પાકિસ્તાન તરફથી લાલ બોલનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શાહીન આફ્રિદી કેપ્ટન બન્યા બાદ ખૂબ જ ઉત્સાહિત દેખાયો હતો.
શાહિન શાહ આફ્રિદીનું નિવેદન
ટી20 ટીમનો કેપ્ટન જાહેર થયા બાદ શાહીન આફ્રિદીની અંદર એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેપ્ટન બન્યા બાદ શાહીન આફ્રિદીએ એક ટ્વીટમાં લખ્યું, “હું રાષ્ટ્રીય ટી20 ટીમની કેપ્ટનશીપ કરવા માટે ગર્વ અનુભવું છું. મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ચાહકોનો આભાર. હું ટીમ ભાવનાને જાળવી રાખવા અને ક્રિકેટના મેદાન પર મારા દેશને ગૌરવ અપાવવા માટે મારું સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીશ. પાકિસ્તાનના નવા T20 કેપ્ટને આગળ લખ્યું, “અમારી સફળતા એકતા, વિશ્વાસ અને સતત પ્રયાસોમાં રહેલી છે. અમે માત્ર એક ટીમ નથી, અમે એક ભાઈચારો અને એક પરિવાર છીએ.સાથે મળીને ટીમને નવી ઉંચાઇ પર લઇ જશું.”
કિસ્તાન ક્રિકેટમાં ઘણા ફેરફારો થયા
વર્લ્ડકપ 2023માં લીગ સ્ટેજમાંથી બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. બાબરની આગેવાની હેઠળનું પાકિસ્તાન ટુર્નામેન્ટમાં 9 લીગ મેચમાંથી માત્ર 4 જ જીતી શક્યું હતું. ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા પછી, મુખ્ય પસંદગીકાર ઈન્ઝમામ ઉલ હક તેમના પદ પરથી રાજીનામું આપનાર પ્રથમ વ્યક્તિ હતા. આ પછી, ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટની ઉથલપાથલ અહીં પૂરી નથી થઈ. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સમગ્ર પસંદગી સમિતિને બરતરફ કરી દીધી હતી. ત્યારપછી આખરે બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું.


