- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ આવશે આમને-સામને
- રોહિત શર્માએ ફાઈનલ માટે છૂપાવીને રાખ્યું છે ‘બ્રહ્માસ્ત્ર’
ભારતીય ક્રિકેટ ટીમે આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી. જેમાં ભારતની જીત થઈ હતી. હવે ભારતીય ટીમ છેલ્લી મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે રમાશે. જે આ વર્લ્ડકપની ફાઈનલ મેચ હશે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે અત્યાર સુધીની તમામ મેચ જીતી છે, પરંતુ ફાઈનલ મેચ માટે રોહિત પાસે એક હથિયાર છે જે રોહિતે છૂપાવીને રાખ્યું છે.
છેલ્લી 6 મેચમાં ટીમમાં ન થયો ફેરફાર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ છેલ્લી 6 મેચમાં ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. કારણ કે, ટીમ સતત તમામ મેચ જીતી રહી છે અને તેમાં કોઈ ફેરફારની જરૂર નથી. જો કે, ભારતે તેની પ્રથમ ચાર મેચ જીતી લીધી હતી, પરંતુ હાર્દિક પંડ્યાની ઈજાને કારણે ભારતને 2 ફેરફાર કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ ટીમે સેમીફાઈનલ સહિત સતત 6 મેચ જીતી હતી.
કોણ છે રોહિત શર્માનું ‘બ્રહ્માસ્ત્ર’?
આ જીતનો દોર જોતા લાગે છે કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં રોહિત શર્મા એ જ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરશે, પરંતુ ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે હોવાથી રોહિત પોતાની ટીમમાં એક ફેરફાર કરી શકે છે. આ વર્લ્ડકપની બીજી સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ સાઉથ આફ્રિકાના સ્પિનરો સામે ઘણો સંઘર્ષ કર્યો હતો. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામેની લીગ મેચમાં પણ સ્પિનરો સામે સંઘર્ષ કર્યો હતો.
સ્પિનર્સ સાથે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન કરે છે સંઘર્ષ
ભારત સામેની પ્રથમ મેચમાં પણ ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય સ્પિનરો સામે સંઘર્ષ કરતા હતા. વર્લ્ડકપની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાએ અક્ષર પટેલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અશ્વિનને ઓસ્ટ્રેલિયાની મેચ માટે ખાસ સામેલ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી તેને ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં જ રમવાની તક મળી છે. અશ્વિને વર્લ્ડકપની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયા સામેની હોમ વનડે સીરિઝમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ટીમમાં ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડના રૂપમાં બંને ઓપનર ડાબા હાથના બેટ્સમેન છે, જે આ આખા વર્લ્ડકપમાં ઘણા રન બનાવી રહ્યા છે.
વોર્નર અને હેડને કેવી રીતે રોકશે રોહિત?
અશ્વિન હંમેશા ડાબા હાથના બેટ્સમેનો સામે ખતરનાક સાબિત થાય છે અને IPL મેચો દરમિયાન રાશિદ અને નૂર અહેમદ જેવા સ્પિન બોલરોને અમદાવાદની પિચ પર ઘણી વખત પોતાનો જાદૂ બતાવતા જોયા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ અથવા મોહમ્મદ સિરાઝની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને રમવાની તક આપી શકે છે. અનુભવી સ્પિન બોલિંગની સાથે અશ્વિન સારી બેટિંગ કરવામાં પણ સક્ષમ છે. ભારતનો ટોપ ઓર્ડર અત્યારે શાનદાર ફોર્મમાં છે.
રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે સ્થાન
આવી સ્થિતિમાં જો સૂર્યાના સ્થાને અશ્વિન રમે છે તો ટીમમાં 6 વિકેટ લેનારા બોલર અને 5 ઇન-ફોર્મ બેટ્સમેન હશે. આ સ્થિતિમાં આ 6 બોલરોમાંથી અશ્વિન અને જાડેજા ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. જો કે, અશ્વિનને ટીમમાં સામેલ કરવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ જો રોહિત શર્માને પિચમાં સ્પિનરો માટે મદદ મળશે તો તે ચોક્કસપણે અશ્વિનને રમવાનું વિચારી શકે છે.


