- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે વર્લ્ડ કપની ફાઇનલ મેચ
- ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, ઓસ્ટ્રેલીયાને આપ્યો 241 રનનો ટાર્ગેટ
- ઓસ્ટ્રેલિયન વિકેટકીપરે કેએલ રાહુલ અને જાડેજા સાથે કરી ચાલાકી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમનો દાવ નિરાશ જનક રહ્યો. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનો આ શાનદાર શરૂઆતનો ફાયદો ઉઠાવી ન શક્યા. રોહિત 47 રન બનાવીને ગ્લેન મેક્સવેલનો શિકાર બન્યો, ત્યારબાદ ટીમ ઈન્ડિયાના એક પછી એક તમામ ખેલાડીઓ સસ્તામાં આઉટ થતાં ગયા અને આખી ઇનિંગ 240માં સમેટાઈ ગઈ. ઓસ્ટ્રેલિયન ટીમ મેદાનમાં ઘણી આક્રમક દેખાતી હતી. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર દ્વારા કરવામાં આવેલી સ્ટમ્પિંગ અપીલ પર સવાલ ઉઠાવ્યા હતા.
ગાવસ્કરે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર સામે કર્યો સવાલ
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપરની અપીલ પર સવાલ ઉઠાવતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે આ અપીલ કેમ કરવામાં આવી. તેણે કહ્યું કે સ્ક્વેર લેગ અમ્પાયરને આ અપીલનો અર્થ છે કે તમે આખા બોલની તપાસ કરી રહ્યા છો. વાસ્તવમાં મામલો એવો હતો કે બોલ કેએલ રાહુલ ચૂકી ગયો અને ઓસ્ટ્રેલિયન વિકેટકીપર જોશ ઈંગ્લિસના ગ્લોવ્સમાં ગયો અને તેણે તરત જ વિકેટ ઉડાવી દીધી અને અમ્પાયરને સ્ટમ્પ આઉટ માટે અપીલ કરી. સ્ક્વેર લેગ એમ્પાયરએ થર્ડ એમ્પાયર તરફ ઈશારો કર્યો, જ્યારે પહેલી દ્રષ્ટિએ સ્પષ્ટ હતું કે કેએલ રાહુલનો પગ પહેલેથી છેલ્લે સુધી ક્રિઝ પર જ હતો. ગાવસ્કરે આ વાત પર જ કહ્યું હતું કે જ્યારે એક સેકન્ડ માટે પણ બેટરનો પગ હવામાં નહોતો તો વિકેટકીપરે સ્ટંપિંગ કરીને અપીલ કરવાની શું જરૂર હતી. તેના પર બીજા કોમેન્ટેટર મોહમ્મદ કૈફએ કહ્યું કે આ ઓસ્ટ્રેલિયન વિકેટકીપરની ચાલાકી છે.
રવિન્દ્ર જાડેજા સામે પણ થઈ હતી અપીલ
કેએલ રાહુલ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ટીમે આ જ ચાલાકી બેટિંગ કરવા આવેલા રવીન્દ્ર જાડેજા પણ અજમાવી હતી. જાડેજા જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેની સામે પણ સ્ટમ્પિંગની અપીલ કરવામાં આવી હતી. અપીલ બાદ સ્ક્વેર લેગ અમ્પાયરે થર્ડ અમ્પાયર તરફ ઈશારો કર્યો. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે જાડેજાનો પગ અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. એક સેકન્ડ માટે પણ બેટરનો પગ હવામાં ન હતો.
ઓસ્ટ્રેલિયાને મળ્યો 241 રનનો ટાર્ગેટ
ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. જો કે, રોહિતના આઉટ થયા બાદ આખી ભારતીય ટીમ માત્ર 240 રન બનાવીને ધરાશાયી થઈ ગઈ હતી. રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 54, શુભમન ગિલ અને શ્રેયસ ઐયર 4, કેએલ રાહુલ 66, રવિન્દ્ર જાડેજા 9, સૂર્યકુમાર યાદવ 18, મોહમ્મદ શમી 6 રન, જસપ્રીત બુમરાહ 1 અને કુલદીપ યાદવ 10 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે, સિરાજ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો.


