- કરતારપુર સાહિબ પરિસરમાં ઘૃણાસ્પદ કૃત્ય
- નોનવેજ પાર્ટી, ડાંસ થયાનો આરોપ
- શીખ સમુદાયમાં ભયંકર રોષની લાગણી
પાકિસ્તાનમાં શીખોની ભાવનાને ઠેસ પહોંચાડતી એક ઘટના સામે આવી છે. શીખોના પવિત્ર સ્થળ એવા કરતારપુર સાહિબ પરિસરમાં નોનવેજ પાર્ટી અને ડાંસ થઇ રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ દાવો કરવામાં આવ્યો છે કે સાહિબ પરિસરમાં 3 કલાક પાર્ટી ચાલી હતી. જે રાત્રે 8 વાગે શરૂ થઇ હતી. જેમાં માસ અને દારૂ પણ પિરસવામાં આવ્યો હતો. ડાંસ પણ કરવામાં આવ્યો હતો. નારોવાલ જિલ્લા પોલીસ કમિશનર મોહમ્મદ શાહરૂખ અને શીખ સમુદાયના કેટલાક લોકો સહિત કુલ 80 લોકોએ પાર્ટીમાં ભાગ લીધો હોવાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનમાં આ ઘૃણાસ્પદ કૃત્યને લઈને શીખ સમુદાયમાં ભારોભાર રોષની લાગણી ફરી વળી છે.
કોને લગાવ્યો આરોપ ?
ભાજપના નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC)ના ભૂતપૂર્વ પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ કરતારપુર ગુરુદ્વારા પ્રશાસન પર કરતારપુર સાહિબ સંકુલમાં ડાન્સ અને નોન-વેજ પાર્ટીઓ યોજીને મંદિરને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે આ પાર્ટી કરતારપુર સાહિબ કોરિડોરના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના સીઈઓ સૈયદ અબુ બકર કુરેશીએ આયોજિત કરી હતી. આ પાર્ટીનું આયોજન 18 નવેમ્બરે ગુરુદ્વારા શ્રી દરબાર સાહિબ પરિસરમાં કરવામાં આવ્યું હતું. આ પાર્ટીના કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે બાદ શીખ સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાક સરકાર પાસે કાર્યવાહીની માંગ
ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીના વિડિયોમાંથી કેટલીક તસવીરો પોસ્ટ કરતા સિરસાએ કહ્યું કે આ મામલે તાકીદે પાકિસ્તાન સરકારને તમામ જવાબદારો સામે સંપૂર્ણ અને ત્વરિત કાર્યવાહી કરવા આહ્વાન કરીએ છીએ. પાકિસ્તાન સરકારે લઘુમતીઓના વિશ્વાસને ઓછો આંકવો જોઈએ નહીં. તેમનું કહેવુ છે કે ગુરુ નાનક દેવજીએ જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે પવિત્ર સ્થળની આ અપવિત્રતાથી વિશ્વભરના શીખ સમુદાયો દુઃખી છે. હું આ મામલે પાકિસ્તાન સરકાર પાસેથી તાત્કાલિક જવાબદારી અને કાર્યવાહીની માંગ કરું છું.


