- વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં ભારતની 6 વિકેટે હાર
- મેચ બાદ ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનું નિવેદન
- રાહુલ દ્રવિડે તેમના ભવિષ્ય અંગે કર્યો ખુલાસો
ભારતીય ટીમ ફરી એકવાર ODI વર્લ્ડકપ જીતવાનું ચૂકી ગઈ. રવિવારે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ દ્રવિડે આ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
અમારો દિવસ મુશ્કેલ હતો
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કોચે કહ્યું- અમારા માટે આ મુશ્કેલ દિવસ હતો. અમે જે રીતે ગુણવત્તાયુક્ત ક્રિકેટ રમ્યા તેના પર અમને ગર્વ છે. અમે ખરેખર સારું અભિયાન ચલાવ્યું. ઓસ્ટ્રેલિયા અમારા કરતા આજે સારું રમ્યું હતું, તેમને અભિનંદન. દ્રવિડે કહ્યું- અમે 30-40 રન ઓછા હતા. તેમણે ખરેખર સારી બોલિંગ કરી. આજે અંડર લાઇટ બેટિંગ કરવી વધુ સરળ હતી.અમે બાઉન્ડ્રી મેળવી શક્યા નહોતા અને નિર્ણાયક અંતરાલ પર વિકેટો ગુમાવતા રહ્યા. જો સ્કોર 280-290 સુધી પહોંચ્યો હોત તો તે એક અલગ રમત હોત. ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી હતી.
છોકરાઓ નિરાશ છે
દ્રવિડે આગળ કહ્યું- છોકરાઓ નિરાશ છે. ડ્રેસિંગ રૂમમાં દરેક વ્યક્તિ ભાવુક હોય છે. તમારે કોચ તરીકે તે જોવું ખુબ જ મુશ્કેલ હોય છે. તમે તેમના બલિદાન અને તેઓએ કરેલા પ્રયત્નો જોયા હોય છે. મને ખાતરી છે કે કાલે સવારે જ્યારે સૂર્ય ઉગશે ત્યારે આપણે તેના પર ચિંતન કરીશું અને તેમાંથી શીખીશું. જો તમે આવી મેચોમાંથી પસાર નહીં થાવ તો તમે ઊંચાઈનો આનંદ માણી શકશો નહીં. દ્રવિડે પોતાના ભવિષ્ય પર કહ્યું- મેં તેના વિશે વિચાર્યું નથી. મારી પાસે તેના વિશે વિચારવાનો સમય નથી. જ્યારે મને સમય મળશે, હું કરીશ. મારું ધ્યાન માત્ર આ વર્લ્ડ કપ પર હતું.


