- વિશ્વભરની ટીમોએ T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ કરી
- જૂન 2024માં રમવામાં આવશે T20 વર્લ્ડકપ
- ભારતીય ટીમમાં નવા કેપ્ટનને લઈ અસમંજસ
વનડે વર્લ્ડકપ બાદ હવે વિશ્વભરની ટીમોએ T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે લગભગ 6 મહિના પછી જૂન 2024માં રમાશે. વનડે વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નિશ્ચિત હતો, પરંતુ T20 વર્લ્ડકપ પહેલા આવું નથી. 2024નો T20 વર્લ્ડકપ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. તે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
T20 વર્લ્ડકપમાં કોણ હશે કેપ્ટન?
આ મામલે BCCIનું વલણ પણ સમજની બહાર છે. છેલ્લી ઘણી T20 સીરિઝમાં BCCIએ રોહિત શર્માને આરામ આપ્યો હતો અને હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી સોંપી હતી, પરંતુ હાર્દિક પંડ્યા વર્લ્ડકપ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને હજુ પણ ઈજાગ્રસ્ત છે. વર્લ્ડકપ બાદ રોહિત શર્માએ પણ એક મહિનાની રજા લીધી છે. જેથી BCCIએ બીજા નવા T20 કેપ્ટનની નિમણૂક કરવી પડી છે અને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 5 મેચની T20 સીરિઝની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.
રોહિતને કેપ્ટન તરીકે રહેવાની અપીલ કરી
આ સીરિઝ બાદ એટલે કે 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સીરિઝ રમાશે. તે સીરિઝમાં પણ હાર્દિકના ઉપલબ્ધ થવાની આશા ઓછી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામે ટીમનું નૈતૃત્વ કરશે કે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવશે, તે વાતને લઈ સવાલ ઉઠી રહ્યા છે. છેલ્લા કેટલાક કલાકોમાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, BCCIએ રોહિતને T20 વર્લ્ડકપ સુધી T20 ફોર્મેટમાં કેપ્ટનશિપ ચાલુ રાખવાની વિનંતી કરી છે, પરંતુ કદાચ હજુ સુધી રોહિત તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
રોહિત નહીં તો વિકલ્પ કોણ હશે?
જો BCCI રોહિતને જવાબદારી સોંપવા માંગતી હતી તો તેને છેલ્લા કેટલાક મહિનામાં T20 ફોર્મેટથી કેમ દૂર રાખવામાં આવ્યો હતો. શું BCCI હાર્દિકને T20 વર્લ્ડકપનો કેપ્ટન બનાવવા માંગતી હતી, પરંતુ હવે તેની ફિટનેસની સમસ્યાને કારણે તેને ફરીથી રોહિત તરફ જોવું પડશે? આ કેટલાક તીક્ષ્ણ પ્રશ્નો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યા છે.
ટીમને નવો અને બિનઅનુભવી કેપ્ટન મળશે?
જો કે અત્યાર સુધીના તમામ સંજોગોને જોતા એવું લાગે છે કે જો રોહિત ઇચ્છે તો આવતા વર્ષે યોજાનાર T-20 વર્લ્ડકપમાં કેપ્ટનશીપ કરશે. જો રોહિત T-20માં કેપ્ટનશીપ કરવા કે T-20 ફોર્મેટ રમવા માગતો નથી, તો BCCIનો બીજો વિકલ્પ હાર્દિક પંડ્યા હશે અને જો હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજો નથી થતો અથવા તેની સાથે ફિટનેસની કોઈ સમસ્યા છે, તો BCCI સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને ધ્યાનમાં લેશે. આ ઉપરાંત કેએલ રાહુલને પણ સુકાનીપદનો વિકલ્પ માનવામાં આવી શકે છે. આ તમામ સંજોગોમાં ટીમ ઈન્ડિયા નવા અને બિનઅનુભવી કેપ્ટનના નેતૃત્વમાં વર્લ્ડકપ રમવા જશે.


