- શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર વિધેયક રજૂ કરે તેવું મનાય છે
- લોકસભા માટે પણ એક કે બે બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી શકે છે
- દરેક સીમાંકન પછી મહિલાઓ માટેની અનામત સીટો રોટેશનમાં બદલાતી રહેશે
ગયા સપ્ટેમ્બરમાં સંસદમાં મહિલાઓ માટેનું 33 ટકા અનામત બિલ પસાર કરવામાં આવ્યા પછી કેન્દ્ર સરકાર દ્વારા સંસદનાં શિયાળુ સત્રમાં જમ્મુ એન્ડ કાશ્મીર વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાનું બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાની કુલ 90 સીટ પૈકી 33 ટકા સીટો મહિલાઓ માટે અનામત રાખવાની સરકારની યોજના છે. લોકસભામાં જ્યારે મહિલાઓ માટે સીટો અનામત રાખવાનો અમલ કરાશે ત્યારે સંસદમાં જમ્મુ કાશ્મીરની 5 સીટો પૈકી 1 કે 2 સીટ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 2029થી મહિલાઓ માટે સીટો અનામત રાખવાની શરૂઆત કરવામાં આવે તેવી સંભાવના છે.
નારીશક્તિ વંદન અભિયાન
મહિલાઓ માટેનાં અનામત બિલને નારીશક્તિ વંદન અભિયાન તરીકે ઓળખવામાં આવે છે. સંસદનાં બંને ગૃહ દ્વારા સપ્ટેમ્બર 2023માં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે લોકસભા તેમજ લેજિસ્લેટિવ એસેમ્બ્લીમાં શિડયુલ્ડ કાસ્ટ (SCs) અને શિડયુલ્ડ ટ્રાઈબ્સ (STs) માટે સીટો અનામત રાખવા પણ લાગુ પડશે. દરેક સીમાંકન પછી મહિલાઓ માટેની અનામત સીટો રોટેશનમાં બદલાતી રહેશે.
ભારતમાં 788 સાંસદો પૈકી માત્ર 104 મહિલા સાંસદો
ભારતમાં 95 કરોડ મતદારો પૈકી માત્ર અડધોઅડધ મહિલા મતદારો છે જેમની દેશનાં રાજકારણમાં સક્રિયતા ઘણી ઓછી છે. ભારતમાં 788 સાંસદો પૈકી માત્ર 104 મહિલા સાંસદો છે. જે ટકાવારીની દૃષ્ટિએ ફક્ત 13 ટકા જ છે.


