- PVVની જીતના કારણે મુસ્લિમોમાં ભયનો માહોલ
- જાહેર સ્થાનો પર ઇસ્લામિક વસ્ત્રો પર પ્રતિબંધ
- ઈસ્લામને પછાત ધર્મ ગણાવે છે વિલ્ડર્સ
નેધરલેન્ડમાં દક્ષિણપંથી નેતા ગીર્ટ વિલ્ડર્સ અને તેમની ઇસ્લામ વિરોધી પાર્ટી PVV (પાર્ટી ફોર ફ્રીડમ) ચૂંટણી જીતી છે, જેના કારણે દેશના મુસ્લિમોમાં ભયનો માહોલ છે. આ એ જ નેતા છે જેણે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ પરના વિવાદિત નિવેદનને સમર્થન આપ્યું હતું. ગીર્ટ વિલ્ડર્સ દેશના આગામી વડાપ્રધાન બની શકે છે તેવા સમાચાર આવતા જ નેધરલેન્ડના પૂર્વીય શહેર અર્નહેમના મેયર અહેમદ માર્કોચનો 8 વર્ષનો પુત્ર ડરી ગયો હતો. તેના પુત્રને ડર છે કે તે મુસ્લિમ હોવાથી તેના પરિવારને દેશ છોડવો પડશે.
મેયરના પુત્રને લાગી રહ્યો છે ડર
ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા અહેમદના પુત્રની શાળામાં ચૂંટણી પરિણામો પર ચર્ચા થઈ હતી જેમાં શિક્ષકે જણાવ્યું હતું કે જો કયો પક્ષ જીતશે તો સમાજમાં શું બદલાવ જોવા મળશે. હવે જ્યારે પરિણામો બહાર આવ્યા છે, અહેમદના પુત્રને ડર છે કે જો PVV સત્તામાં આવશે તો તેણે દેશ છોડવો પડશે. અહેમદે જણાવ્યું કે તેણે તેના પુત્રને સાંત્વના આપી. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, ‘મારા પુત્રનું કહેવું કે આપણે દેશ છોડવો પડશે તે દીલ તોડનારૂ હતું. તે મેયરનો પુત્ર છે અને તેને ડર છે કે નવી સરકાર અમારા પરિવારને સમાજમાંથી કાઢી મૂકશે કારણ કે તેઓ મુસ્લિમ છે. લેબર પાર્ટીના નેતા અહેમદ માર્કોચ 2017થી અર્નહેમના મેયર છે જે લગભગ 170,000 રહેવાસીઓનું ઘર છે. પરંતુ તેઓ ચૂંટણી પરિણામોથી ડરી રહ્યા છે. અહેમદ 10 વર્ષની ઉંમરે નેધરલેન્ડમાં સ્થાયી થયો હતો. ગીર્ટ વિલ્ડર્સ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન હંમેશા અહેમદ પર નિશાન સાધતા રહ્યા છે. હવે જ્યારે વિલ્ડર્સ જીતી ગયા છે, ત્યારે અહેમદને આનો સામનો કેવી રીતે કરવો તે સમજમાં આવી રહ્યું નથી.
હિજાબ પર પ્રતિબંધ, શરણાર્થિઓને રોકવાનો વાયદો
ગિલ્ડરલેન્ડની રાજધાની અર્નહેમ છે, જે ઇસ્લામ વિરોધી પક્ષ PVV સૌથી વધુ મત મેળવનાર પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પાર્ટીએ ચૂંટણી દરમિયાન લોકોને વચન આપ્યું હતું કે દેશમાં નવા શરણાર્થીઓને સ્વીકારવામાં આવશે નહીં, જાહેર ઇમારતોમાં ઇસ્લામિક ડ્રેસ હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને બેવડી નાગરિકતા ધરાવતા ગુનેગારોને દેશનિકાલ કરવામાં આવશે. વચનોમાં સમગ્ર EU માં કામદારોની મુક્ત અવરજવરને સમાપ્ત કરવાનો પણ સમાવેશ થાય છે. અહેમદ કહે છે કે લોભામણી વચનો સિવાય, PVV સત્તામાં આવવા પાછળનું કારણ મોંઘવારી અને મકાનોના ભાવમાં વધારો છે. સત્તામાં રહેલા પક્ષો લોકોને સસ્તા મકાન અને મોંઘવારીમાંથી રાહત અપાવી શક્યા નથી, જેના કારણે નિરાશ થયેલા લોકોએ PVVને મત આપીને જીતાડી છે.
વિલ્ડર્સના શબ્દોએ લોકોને પોતાની તરફ કર્યા
અહેમદ કહે છે કે, ’40 વર્ષથી લોકોએ રાજકારણીઓ પાસેથી માત્ર એવા વચનો સાંભળ્યા છે કે મને મત આપો અને તમારૂં જીવન સારૂં થઈ જશે. પરંતુ આટલા સમય બાદ પણ લોકોની સ્થિતિ યથાવત છે. આ એક સત્ય છે અને આ સત્ય વિલ્ડર્સને સત્તા પર લઇને આવી છે. અહેમદનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન વિલ્ડર્સ લોકોને કહેતા હતા કે તેઓ લોકોની પીડાથી વાકેફ છે અને તેમને પણ આ જ દર્દનો અનુભવ થાય છે. નેધરલેન્ડના લોકો પરંપરાગત નેતાઓના વચનોથી નારાજ હતા અને વિલ્ડર્સના આવા શબ્દોએ તેમને પોતાની તરફ કરી લીધા હતા.
‘અહેમદે ઇસ્લામિક દેશમાં મેયર બનવું જોઇએ’
અહેમદે કહ્યું કે નેધરલેન્ડમાં મુસ્લિમ સમુદાય ચૂંટણી પરિણામોથી ચોંકી ગયો છે કારણ કે PVV મુસ્લિમોનું અપમાન કરવાનો ઇતિહાસ ધરાવે છે. પાર્ટી મસ્જિદો અને કુરાન પર પ્રતિબંધ મૂકવાની અને મુસ્લિમોને તેમના અધિકારોથી વંચિત રાખવાની વાત કરી રહી છે. 2017 માં જ્યારે સમાચાર આવ્યા કે અહેમદ માર્કોચ આર્નેહમના મેયર તરીકે ચૂંટાયા છે, ત્યારે વિલ્ડર્સ વિરોધ કરવા માટે કેટલાક લોકો સાથે શહેરમાં આવ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે અહેમદને આર્નેહમ નહીં પરંતુ રાબાત (ઈસ્લામિક દેશ મોરોક્કોની રાજધાની)ના મેયર બનવું જોઈએ.
નુપુર શર્માનું કર્યું હતુ સમર્થન
ગયા વર્ષે ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના પછી સમગ્ર ઇસ્લામિક વિશ્વ ચોંકી ઉઠ્યું હતું. નુપુર શર્માના આ નિવેદનને કારણે તેની ઘણી ટીકા થઈ હતી પરંતુ વિલ્ડર્સ તેના સમર્થનમાં આવ્યા હતા. વિલ્ડર્સે કહ્યું કે નુપુર શર્માએ જે કહ્યું તે સાચું છે અને ઇસ્લામિક વિશ્વ માટે તેના વિશે ગુસ્સે થવું હાસ્યાસ્પદ છે. ઈસ્લામિક વિરોધી ગણાતા વિલ્ડર્સ ઈસ્લામને પછાત ધર્મ ગણાવે છે.


