- ઇંગ્લેન્ડ 6/197, નેટ સિવર 77, ભારત 6/159, શેફાલી 52
- ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
- 20 ઓવરમાં છ વિકેટે 197 રનનો જંગી સ્કોર નોંધાવ્યો
વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમે ભારતીય વિમેન્સ ટીમને 38 રનથી પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે ડેની વાયટ અને નેટ સિવર બ્રન્ટની આક્રમક અડધી સદીની મદદથી તથા બંનેએ નોંધાવેલી સદીની ભાગીદારી વડે 20 ઓવરમાં છ વિકેટે 197 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઓપનર શેફાલી વર્માએ અડધી સદી નોંધાવી હોવા છતાં ભારતીય ટીમ છ વિકેટે 159 રન નોંધાવી શકી હતી. રનચેઝ કરનાર ભારત માટે શેફાલીએ 42 બોલમાં નવ બાઉન્ડ્રી વડે સર્વાધિક બાવન રન બનાવ્યા હતા. ભારતે અનુભવી ખેલાડી સ્મૃતિ મંધાના (6) તથા જેમિમા રોડ્રિગુઝની (4) વિકેટ 41 રનના સ્કોર સુધીમાં ગુમાવી દીધી હતી. સુકાની હરમનપ્રીત કૌર 21 બોલમાં 26 રન બનાવીને એક્લેસ્ટોનનો શિકાર બની હતી. તેના આઉટ થયા બાદ સતત રનરેટ વધતા ભારત મેચમાંથી બહાર થઇ ગયું હતું.
ઇંગ્લેન્ડે ઇનિંગનો નબળો પ્રારંભ કર્યો હતો અને બે રનના સ્કોરે સોફિયા ડંકલે તથા એલિસ કેપ્સીની વિકેટ ગુમાવી દીધી હતી. આ બંને વિકેટ રેણુકા સિંઘે ઝડપી હતી. ત્યારબાદ ડેની અને નેટ સિવરે ત્રીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી નોંધાવીને ટીમને મજબૂત સ્કોર તરફ આગળ વધારી હતી. ડેનીએ 47 બોલમાં આઠ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 75 તથા નેટ સિવરે 53 બોલમાં 13 બાઉન્ડ્રી વડે 77 રનની ઇનિંગ રમી હતી. એમી જોન્સે માત્ર નવ બોલમાં ઝડપી 23 રન બનાવીને ઇંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં મુકી દીધી હતી. ભારત માટે રેણુકાએ 27 બોલમાં ત્રણ તથા શ્રેયંકા પાટિલે 44 રનમાં બે વિકેટ ખેરવી હતી.


