- સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી રોહિત ગોદારાએ લીધી
- રોહિત ગોદારા જેવા નામ ધરાવતા વિદ્યાર્થીના જીવનમાં આવ્યો ભૂકંપ
- સોશિયલ મીડિયામાં લોકો તેનો ફોટો શેર કરીને કરી રહ્યા છે સજાની માંગ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કારણે રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. ગેંગસ્ટર રોહિત ગોદરાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન, રોહિત ગોદારા નામનો નિર્દોષ વિદ્યાર્થી તેનો શિકાર બની રહ્યો છે. આ ઘટનાએ વિદ્યાર્થી રોહિતના જીવનમાં ભૂકંપ લાવી દીધો છે. તેનું નામ ગેંગસ્ટર રોહિત ગોદારાના નામ સાથે ભળતું આવતું હોવાને કારણે લોકો સોશિયલ મીડિયા પર આ વિદ્યાર્થીની તસવીરનો ઉપયોગ કરીને તેને ગુનેગાર ગણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ નિર્દોષ વિદ્યાર્થી સામે પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ અંગે પીડિત વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાને નિર્દોષ જાહેર કર્યો છે.
“હું રોહિત ગોદારા વિદ્યાર્થી છું, મારે આ મામલે કોઈ લેવાદેવા નથી”
જણાવી દઈએ કે, ગઈકાલે એટલે કે મંગળવારે સુખદેવ સિંહ ગોગામેડી પર ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ ગેંગસ્ટર રોહિત ગોદારાએ જવાબદારી લીધી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. ત્યારબાદ, પોલીસ પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું. દરમિયાન રોહિત ગોદારા નામનો અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ગેંગસ્ટર સાથે ભળતા નામના કારણે લોકો સોશિયલ મીડિયા પર વિદ્યાર્થી રોહિતના ફોટોનો ઉપયોગ કરીને તેને ગેંગસ્ટર કહી રહ્યા છે. આનાથી વિદ્યાર્થી રોહિત ખૂબ જ દુઃખી છે. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું કે તે ગેંગસ્ટર નથી, પરંતુ એક વિદ્યાર્થી છે અને અભ્યાસ કરી રહ્યો છે.
વિડીયોમાં કહ્યું: લોકો મને હેરાન કરી રહ્યા છે
વિદ્યાર્થી રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર 21 સેકન્ડનો વિડીયો અપલોડ કર્યો છે અને કહ્યું છે કે, ‘ગઈકાલે થયેલી હત્યા સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું રોહિત ગોદારા એક વિદ્યાર્થી છું અને અભ્યાસ કરી રહ્યો છું. સોશિયલ મીડિયા પર લોકો મારા ફોટાનો દુરુપયોગ કરીને મને હેરાન કરી રહ્યા છે. સ્ટુડન્ટ રોહિતે રાજસ્થાન પોલીસને આ મામલાની નોંધ લઈને મદદ કરવાની માંગ કરી છે. બિકાનેર પોલીસે પણ વિદ્યાર્થીના ટ્વીટનો જવાબ આપ્યો છે. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.


