- મુંબઇમાં મિની ઓક્શનનું આયોજન
- ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી વધુ 5.95 કરોડ રૂપિયા
- મુંબઈ પાસે ખેલાડીઓ ખરીદવા માટે પર્સમાં સૌથી ઓછા રૂપિયા
વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની હરાજી 9 ડિસેમ્બરે યોજાવાની છે. 9 ડિસેમ્બરે મુંબઈમાં 30 જગ્યાઓ માટે 165 ખેલાડીઓ પર બોલી લગાવાશે. વુમન્સ પ્રીમિયર લીગમાં સામેલ પાંચ ટીમોએ પહેલાથી જ તેમના રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ મિની ઓક્શનમાં દરેક ફ્રેન્ચાઈઝી કેટલાક વધુ ખેલાડીઓને ખરીદીને પોતાની ટીમને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.
મુંબઈ બન્યું ચેમ્પિયન
વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. પ્રથમ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ફાઇનલમાં પહોંચી હતી. ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ ફરી એકવાર પોતાની તાકાત બતાવવા આતુર હશે.
મુંબઈ-દિલ્હીના પર્સમાં પૈસા ઓછા
ગત વખતની ચેમ્પિયન મુંબઈની ટીમે પોતાના મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. તે જ સમયે, દિલ્હી કેપિટલે પણ 18માંથી 15 ખેલાડીઓને જાળવી રાખવાનું કામ કર્યું છે. દિલ્હી કેપિટલ્સ આ હરાજીમાં માત્ર ત્રણ ખેલાડીઓ માટે બોલી લગાવશે. તે જ સમયે, મુંબઈની ટીમમાં પણ ઘણા ઓછા ખેલાડીઓ માટે જગ્યા ખાલી છે.
જાણો કોની પાસે છે કેટલા પૈસા
મુંબઈની ટીમ પાસે 5 ખેલાડીઓ ખરીદવા માટે પર્સમાં 2.10 કરોડ રૂપિયા છે. દિલ્હી કેપિટલ્સ પાસે ત્રણ ખેલાડીઓ માટે 2.25 કરોડ રૂપિયા છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 3.35 કરોડમાં 7 ખેલાડીઓ ખરીદશે. યુપી વોરિયર્સ ચાર કરોડમાં પાંચ ખેલાડીઓ ખરીદવા જઈ રહી છે. ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી વધુ 5.95 કરોડ રૂપિયા છે, તેઓ કુલ 10 ખેલાડીઓ ખરીદવા જઈ રહ્યા છે.
આ સમયે શરૂ થશે હરાજી
મુંબઈમાં 9 ડિસેમ્બરે યોજાનારી મહિલા પ્રીમિયર લીગની હરાજી બપોરે 2:00 કલાકે શરૂ થશે. આ હરાજી ટીવી પર સ્પોર્ટ્સ 18 અને સ્પોર્ટ્સ 18 HD ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જ્યારે Jio Cinema એપ પર મિની ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં બતાવવામાં આવશે. ચાહકો તેમના મોબાઈલ પર Jio Cinema એપ ડાઉનલોડ કરીને આ હરાજીની મજા માણી શકે છે.


