- કલેક્ટર, એસપી, સીડીએચઓને 20 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા સૂચના
- દેવદિવાળીની રાત્રે લઠ્ઠાવાળું સિરપ પીવાથી સાત વ્યક્તિનાં મોત થયેલા
- ગુજરાત માનવ અધિકાર પંચને ઘટનાનો અહેવાલ મોકલી આપવાનો આદેશ
નડિયાદના બિલોદરા કથિત લઠ્ઠાવાળી સિરપ કાંડમાં સાત વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યા હતા. ગુજરાત માનવ અધિકાર પંચે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા આરોગ્ય અધિકારી પાસે બિલોદરા કાંડની સમગ્ર ઘટનાનો અહેવાલ માગ્યો છે. જે અંગે ત્રણેય અધિકારીને ઇમેલથી જાણ કરાઈ છે. જિલ્લાના ત્રણેય અધિકારીઓ દ્વારા 20 દિવસમાં ગુજરાત માનવ અધિકાર પંચને ઘટનાનો અહેવાલ મોકલી આપવાનો આદેશ કર્યો છે.
નડિયાદના બિલોદરામાં દેવદિવાળીની રાત્રે કથિત લઠ્ઠાવાળી સિરપ પીવાથી સાત વ્યક્તિઓએ જીવ ગુમાવતાં જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ શરૂ થઇ ગયો હતો. આ ઘટનાને લઈને રાજ્યનું તંત્ર દોડતું થઇ ગયું હતું. આ ઘટનામાં કુલ સાત આરોપીઓને પકડીને રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓ દ્વારા એક પછી એક ઘટસ્ફોટ કરતાં તે દિશામાં સીટ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. સીટના અધિકારીઓ દ્વારા ઘટનાના મૂળ સુધી પહોંચીને પુરાવાઓ એકત્રિત કરવાના પ્રયત્નો કરાયા છે. આ સમગ્ર ઘટના અંગેનો ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા આરોગ્ય અધિકારી પાસે માગ્યો છે. તંત્રને ઇમેલ જાણ કરાઈ હતી. તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા આરોગ્ય અધિકારીને વીસ દિનમાં બિલોદરા કાંડની સમગ્ર ઘટનાનો અહેવાલ મોકલી આપવાનો હુકમ પણ પંચે કર્યો છે.
આરોપી યોગેશ સિંધીને વધુ ત્રણ દિનના રિમાન્ડ
લઠ્ઠાવાળી સિરપ બનાવવાની ફેક્ટરીના માલિક યોગેશ સિંધી અને દુકાનદાર કિશોર સોઢાને નડિયાદ કોર્ટ રજૂ કરીને વધુ રિમાન્ડની માગણી હતી. કોર્ટે આરોપી યોગેશ સિંધીને તા. 14મી સાંજે પાંચ વાગ્યા સુધી અને કિશોર સોઢાને તા. 13મી સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે. જ્યારે આરોપી ઇશ્વર સોઢાને બિલોદરા જેલમાં મોકલી અપાયો છે.


