- આજે WPL 2024નું મુંબઇમાં મિની ઓક્શનનું આયોજન
- ગુજરાત જાયન્ટ્સ પાસે પર્સમાં સૌથી વધુ 5.95 કરોડ રૂપિયા
- મુંબઈ ઇન્ડિયન્સ પાસે પર્સમાં સૌથી ઓછા 2.10 કરોડ રૂપિયા
WPL એટલે કે મહિલા IPLની શરૂઆત BCCI દ્વારા 2023માં કરવામાં આવી હતી. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની સીઝન-2 માટેની હરાજી આજે એટલે કે 9મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. હરાજી બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. હરાજી માટે 165 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. હરાજીમાં માત્ર 30 ખેલાડીઓ પર બોલી લગાવશે.
શા માટે માત્ર 30 ખેલાડીઓનો જ વેપાર થશે?
ટુર્નામેન્ટની પાંચ ટીમો પાસે માત્ર 30 સ્લોટ ખાલી છે, જેમાંથી ગુજરાત જાયન્ટ્સ પાસે મહત્તમ 10 સ્લોટ છે. આ પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે 7 સ્લોટ છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પાસે 5 સ્લોટ છે, યુપી વોરિયર્સ પાસે 5 સ્લોટ છે અને ગત સિઝનમાં ઉપવિજેતા રહી ચૂકેલી દિલ્હી કેપિટલ્સ પાસે 3 સ્લોટ ખાલી છે. એક ટીમમાં ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 18 ખેલાડીઓ હોઈ શકે છે. WPL ઓક્શનમાં ટીમોની પર્સ લિમિટ પણ માત્ર 15 કરોડ રૂપિયા છે, જેનો અર્થ છે કે ટીમ ખેલાડીઓને ખરીદવા માટે 15 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી શકે નહીં.
હરાજી માટે કુલ 165 ખેલાડી
હરાજી માટે હાજર 165 મહિલા ખેલાડીઓમાંથી 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. કુલ ખેલાડીઓમાં, 56 કેપ્ડ અને 109 અનકેપ્ડ ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે ટીમો કયા પ્રકારના ખેલાડીઓ પર બિડ કરવા માંગે છે, કેપ્ડ અથવા અનકેપ્ડ. ઓછી પર્સ કિંમત ધરાવતી ટીમો અનકેપ્ડ ખેલાડીઓને જોવા માંગે છે કારણ કે તેઓ ઓછા પૈસામાં ખરીદી શકાય છે.
પર્સમાં સૌથી વધુ રૂપિયા કઈ ટીમ પાસે
ગુજરાત જાયન્ટ્સ પાસે સૌથી વધુ 5.95 કરોડ રૂપિયાનું પર્સ છે, જેમાં તેણે 10 ખેલાડીઓ ખરીદવાના છે. આ સિવાય યુપી વોરિયર્સ પાસે રૂ. 4 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે રૂ. 3.35 કરોડ, દિલ્હી કેપિટલ્સ રૂ. 2.25 કરોડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ પાસે રૂ. 2.10 કરોડ છે.
હરાજીમાં ખેલાડીઓને 21 સેટમાં વહેંચવામાં આવ્યા
હરાજીની અંતિમ યાદીમાં સામેલ ખેલાડીઓને કેપ્ડ અને અનકેપ્ડ પ્રમાણે વિભાજિત કરવામાં આવ્યા છે. પછી તેમને બેટ્સમેન, ઓલરાઉન્ડર, વિકેટકીપર, ફાસ્ટ બોલર અને સ્પિનરોના અલગ-અલગ જૂથોમાં પણ રાખવામાં આવે છે. ખેલાડીઓના સમૂહને ‘સેટ’ કહેવામાં આવે છે. આ વખતે હરાજીમાં 165 ખેલાડીઓને 21 સેટમાં વહેંચવામાં આવ્યા છે. કેપ્ડ બેટ્સમેનોની પ્રથમ હરાજી કરવામાં આવશે. ત્યારબાદ કેપ્ડ ઓલરાઉન્ડર, વિકેટકીપર્સ, ફાસ્ટ બોલરો અને છેલ્લે સ્પિનરો પર બોલી લાગશે. આ પછી, અનકેપ્ડ ખેલાડીઓની બોલી પણ તે જ ક્રમમાં રહેશે.
કોણ કરાવશે ઓકેશન?
BCCI અને WPL કમિટી સંયુક્ત રીતે આ ઓક્શન કરશે. મલ્લિકા સાગર ઓક્શનની હોસ્ટ બની શકે છે. તેણે અગાઉના ઓક્શનનું આયોજન પણ કર્યું હતું, પરંતુ તેના સંબંધમાં હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે જીત મેળવી હતી
પાંચ ટીમની મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે ટાઈટલ જીત્યું હતું. મુંબઈએ ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવીને ટ્રોફી જીતી હતી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મુંબઈએ ટૂર્નામેન્ટ જીતી હતી.


