શ્રાવણ માસની શરૂઆતે જ સિંગતેલના ભાવ રૂ. ૩૦૦૦ની નજીક
રાજકોટ તેલબજારમાં ડબ્બે વધુ રૂ.૨૦નો ઉછાળો: મગફળીની નવી આવક મોડી થવાની આશંકા અને સપ્લાય શોર્ટ હોવાથી તેજીનો માહોલ
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રાવણ માસના પ્રારંભની સાથે જ રાજકોટના ખાદ્યતેલ બજારમાં સિંગતેલના ભાવમાં સળગતી તેજી જોવા મળી રહી છે. સાતમ-આઠમ અને જન્માષ્ટમી જેવા મોટા તહેવારોની સિઝનમાં માંગ વધવાના આશાવાદ અને સામે સપ્લાય મર્યાદિત હોવાના કારણે સિંગતેલનો ડબ્બો રૂ. ૩૦૦૦ ની લગોલગ પહોંચી ગયો છે, જેનાથી ગૃહિણીઓ અને સામાન્ય વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે.
રાજકોટ તેલબજારમાં આજે સિંગતેલના ભાવમાં રૂ.20નો સીધો સુધારો નોંધાતાં ડબ્બાનો ભાવ રૂ.2975ની સપાટીએ પહોંચી ગયો છે. હાલ તેલનો ડબ્બો રૂ.3000ની સપાટીથી માત્ર રૂ.25 જ છેટો છે સિંગતેલ 10 કિલો લૂઝનો ભાવ રૂ.1725થી 1730 સુધી હતો.
બજારના નિષ્ણાતો અને વેપારીઓના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે મગફળીનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં થયું હોવા છતાં નવી આવક ન આવે ત્યાં સુધી બજારમાં સપ્લાયની સ્થિતિ તંગ રહે તેમ હોવાથી ટ્રેન્ડ તેજીનો જળવાઈ રહ્યો છે. સાઇડતેલોમાં કપાસિયા તેલનો ડબ્બો રૂ.2850 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. વિશ્વબજારમાં પણ ખાદ્યતેલોમાં તેજીનો માહોલ છે. વેપારીઓના મતે આ વર્ષે મગફળીનું વાવેતર સારું હોવા છતાં નવી મગફળીની આવક મોડી થવાની આશંકાથી માલની ખેંચ વર્તાઈ રહી છે. તેમજ શ્રાવણ માસથી શરૂ થતા જન્માષ્ટમીના તહેવારોની સિઝનમાં ઘરાકી વધવાના અનુમાનથી સટ્ટાકીય અને વાસ્તવિક માગ વધી છે. વૈશ્વિક બજારના તેજીના સંકેતો વચ્ચે કપાસિયા તેલ પણ રૂ.2850ની ઊંચી સપાટીએ સ્થિર રહેતાં સિંગતેલને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.


