- 15મી ડિસેમ્બરે 9મી પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટ
- ગિફ્ટ સિટીના વિસ્તૃતીકરણનું અનાવરણ થશે
- અત્યારે રાજ્યમાં કુલ વસતિના 48 ટકા લોકો શહેરોમાં વસે છે
દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં અત્યાર સુધી જુદા જુદા 8 વિષયો ઉપર પરિષદો-ઈવેન્ટ્સનું આયોજન ચૂક્યા બાદ હવે 15મી ડિસેમ્બરે શહેરી વિકાસ વિભાગના ઉપક્રમે ‘ભવિષ્યના રહેવાલાયક શહેરો’ વિષય ઉપર 9મો સેમિનાર મહાત્મા મંદિરમાં યોજાશે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોર દ્વારા થશે. અત્યારે રાજ્યમાં કુલ વસતિના 48 ટકા લોકો શહેરોમાં વસે છે, 2035 સુધીમાં આ પ્રમાણ વધીને 60 ટકા થવાની ધારણા હોઈ શહેરોની ડિઝાઇન, ટકાઉ નાણા સાધનો, ડિજિટલાઇઝેશન, રહેવાની યોગ્યતાને માપવી, રોકાણ કરી શકાય તેવા રાજ્યના શહેરો જેવા વિષયો ઉપર પરિષદમાં ત્રણ સત્રમાં ચર્ચા થશે. એનઆઇયુએમ,. સી40, ક્રેડાઈ, એઆઈઆઇએલએસજી, આઇસીએલઇઆઇ, સેપ્ટ, યુનિસેફ ઇન્ડિયા, વર્લ્ડ બૅન્ક, એલુવિયમ ગ્રૂપ, સિટીગ્લોબ જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ-તજ્જ્ઞો આ સેમિનારમાં પેનલ ચર્ચામાં ભાગ લેશે. સેમિનાર દરમિયાન Guj Firesfety Cop ઇ-પોર્ટલનું લોન્ચિંગ થશે તથા ગિફ્ટ સિટીના વિસ્તૃતીકરણના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું પણ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ થશે. યુનિસેફ, આઇસીએલઇઆઇ, એઆઇઆઇએલએસજી જેવી સંસ્થાઓ ઇનોવેશન્સનું પણ પ્રદર્શન યોજશે.


