- પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો અચાનક સંસદમાં ઘૂસી ગયા
- સંસદમાં પ્રવેશ માટે ઈ-પાસ બનાવવા પર પણ પ્રતિબંધ લગાવાયો
- ફક્ત સંસદીય સુરક્ષા સેવા પાસે જ પાસ ઇશ્યું કરવાની સત્તા
આજે એટલે કે બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો અચાનક સંસદમાં ઘૂસી ગયા અને પછી ત્યાં સ્મોક કેન્ડલ સળગાવી હતી. આ ઘટના પછી સંસદમાં સનસનાટી મચી ગઈ. દેશની સૌથી સુરક્ષિત ઈમારતમાં આ પ્રકારના ભંગની ઘટના બાદ તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ પછી હવે સંસદ સચિવાલયે મોટો નિર્ણય લીધો છે. હવે પછીના આદેશ સુધી સંસદમાં પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ સાથે સંસદમાં પ્રવેશ માટે ઈ-પાસ બનાવવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હાલમાં તે જણાવવામાં આવ્યું નથી કે આ પ્રતિબંધ કેટલા સમય માટે લગાવવામાં આવ્યો છે.
સંસદમાં ઘૂસેલા લોકોને કરાયા ગિરફ્તાર
જો કે સંસદમાં ઘૂસેલા બંને લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સાથે પોલીસે બિલ્ડિંગની બહાર વિરોધ કરી રહેલા બે લોકોની પણ અટકાયત કરી છે. ઘટના બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકસભા પોતાના સ્તરે તપાસ કરી રહી છે અને આ મામલે દિલ્હી પોલીસને પણ સૂચના આપવામાં આવી છે. નિયમો અનુસાર સંસદ ભવનની અંદર સુરક્ષા અધિકારીઓ માત્ર લોકસભા સ્પીકરને જ સુરક્ષા રિપોર્ટ આપે છે.
શું કોઈ પણ વ્યક્તિ સંસદમાં જઈ શકે?
સંસદમાં પ્રવેશવા માટે સામાન્ય માણસે વિઝિટર પાસ લેવો પડે છે. આ પાસ બંને ગૃહો માટે અલગથી આપવામાં આવે છે. એક પાસ માત્ર એક કલાક માટે માન્ય હોય છે.
કેવી રીતે પાસ ઇસ્યું કરાય છે?
સંસદમાં કોઈપણ કર્મચારી, સાંસદ, સુરક્ષા કર્મચારીઓ અને મુલાકાતીઓના પાસ બનાવવાની સમગ્ર જવાબદારી સંસદીય સુરક્ષા સેવાની રહે છે. કોઈપણ વ્યક્તિ અથવા વાહનના પ્રવેશ માટે ફક્ત સંસદીય સુરક્ષા સેવા જ પાસ ઇશ્યું કરે છે. આ સેવા એ પણ સુનિશ્ચિત કરે છે કે જે વ્યક્તિને સંસદ પરિસરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી છે તે પાત્ર છે કે નહીં.


