- સંસદ ભવનમાં પ્રવેશવા માટે તમારે સ્પેશિયલ વિઝિટર પાસ મેળવવો પડશે
- સાંસદ અથવા સંસદના કોઈપણ ગેજેટેડ અધિકારીની ભલામણ જરૂરી
- એક કલાકની હોય છે પાસની વેલિડિટી
સંસદની સુરક્ષામાં મોટી ખામી બુધવારે બપોરે પ્રકાશમાં આવી હતી.અહીં લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી અચાનક બે યુવકો ગૃહમાં ઘૂસી ગયા હતા. આવી સ્થિતિમાં, જ્યારે ગૃહમાં હાજર સાંસદોએ બંનેને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે બન્ને યુવાનોએ તેમના જૂતામાંથી સ્મોક કેન્ડલ કાઢીને ધૂમાડો કર્યો હતો. પોલીસે બંને યુવાનોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બંને લોકો વિઝિટર પાસ દ્વારા લોકસભાની ઓડિયન્સ ગેલેરીમાં પહોંચ્યા હતા અને ત્યાં તક જોઈને તેઓ ગૃહની અંદર કૂદી પડ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, શકમંદોએ કેન્ડલ છુપાવવા ચપ્પલનો ઉપયોગ કર્યો હતો.
આજે સંસદ હુમલાની વરસી
2001માં સંસદ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાની આજે વરસી છે. આવી સ્થિતિમાં, ગૃહની સુરક્ષામાં આ ક્ષતિએ તે ઘટનાની યાદો તાજી કરી દીધી છે. ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે સામાન્ય માણસ આ રીતે ગૃહની અંદર કેવી રીતે પહોંચી શકે અને તેને વિઝિટર પાસ કેવી રીતે મળે. તો ચાલો અહીં જણાવીએ કે સંસદ માટે વિઝિટર પાસ મેળવવાની કઈ રીત છે…
સંસદમાં સામાન્ય લોકો કેવી રીતે જઇ શકે છે?
સંસદ ભવનમાં પ્રવેશવા માટે તમારે સ્પેશિયલ વિઝિટર પાસ મેળવવો પડશે. આ મુલાકાતી પાસ સંસદના બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભા માટે અલગથી જારી કરવામાં આવે છે અને એક પાસ માત્ર એક ગૃહ માટે માન્ય છે. અહીં, લોકસભા માટે ગ્રીન પાસ જારી કરવામાં આવે છે, જ્યારે રાજ્યસભા માટે મરૂન પાસ આપવામાં આવે છે. અહીં એક વધુ નોંધનીય બાબત એ છે કે જો સંસદનું સત્ર ચાલુ ન હોય તો પરિસરમાં પ્રવેશવા માટે પાસ મેળવવું એકદમ સરળ બની જાય છે.
કોણ ઇશ્યુ કરે છે પાસ?
સાંસદ અથવા સંસદના કોઈપણ ગેજેટેડ અધિકારી પ્રવેશ પાસ માટે તમારા નામની ભલામણ કરી શકે છે. તેમની ભલામણ બાદ સંસદની સુરક્ષા સંસ્થા આ પાસ બહાર પાડે છે. આ પછી, ગૃહના અધિકારી સંસદભવનના હોલમાંથી મુલાકાતીઓના ગૃપને લઈ જાય છે. આ મુલાકાતીઓને રાજ્યસભાની અંદરની લોબી, લોકસભાની અંદરની લોબી અને સેન્ટ્રલ હોલ જોવાની છૂટ છે.
આ મુલાકાતીઓને સ્પેશિયલ પાસ મેળવીને એક કલાક સુધી સંસદની કાર્યવાહી લાઈવ જોવાની તક પણ મળે છે. આ પાસની વેલિડિટી એક કલાકની છે, ત્યારબાદ લોકોએ વિઝિટર ગેલેરીમાંથી બહાર નીકળવું પડે છે.


