- ભારતના પાંચ પાડોશી દેશોમાં વધ્યા ડુંગળીના ભાવ
- ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવતા વધ્યા ભાવ
- બાંગ્લાદેશમાં 200 રૂપિયે કિલો થયા ડુંગળીના ભાવ
ભારતે ડુંગળીની ઉપલબ્ધતા અને તેની કિંમતોને કાબુમાં રાખવા માટે ભારત સરકારે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતના આ પગલાંથી પાડોશી દેશો પર અસર થઈ રહી છે. અહેવાલો મુજબ, ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ બાદ પાડોશી દેશો બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીના ભાવ આસમાની સપાટીને સ્પર્શી રહ્યા છે.
ગત સપ્તાહે 8 ડિસેમ્બરે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર 31 માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ રહેશે. આ પહેલા ઓગસ્ટમાં ભારતે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી હતી. ત્યારબાદ, ઓક્ટોબરમાં ભારતે ડુંગળીની નિકાસ માટે લઘુત્તમ કિંમત વધારીને 800 ડોલર પ્રતિ ટન કરી હતી. ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આ સમયગાળો 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે.
બાંગ્લાદેશમાં વધ્યા ડુંગળીના ભાવ
ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે પ્રતિબંધના એક દિવસ પહેલા જ ડુંગળીનો ભાવ 130 રૂપિયા પ્રતિ કિલો હતો. સ્થાનિક ડુંગળીના ભાવમાં વધારા અંગે ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશે કહ્યું છે કે એક સપ્તાહ પહેલા ડુંગળી 105-125 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. જે હાલમાં 180 થી 190 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. અમે જે ડુંગળી જથ્થાબંધ ભાવે ખરીદતા હતા તે 90-100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. હવે અમે તેને 160 થી 170 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદી રહ્યા છીએ.
ભુતાનમાં ડુંગળીના ભાવ
ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધ બાદ ભૂટાનમાં પણ ડુંગળીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. ભૂતાનમાં ડુંગળી 150 નગુલ્ટ્રમ પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. રાજધાની થિમ્પુના સ્થાનિક લોકોનું કહેવું છે કે પહેલા આ ડુંગળી 50 થી 70 નગુલ્ટ્રમ પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી. ભૂટાન બ્રોડકાસ્ટિંગ સર્વિસના રિપોર્ટ અનુસાર, ભારત દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ ભૂટાનના અન્ય ભાગોમાં પણ ડુંગળીના ભાવ 100 નગુલ્ટ્રમ સુધી પહોંચી ગયા છે.


