- તાજેતરના મહિનાઓમાં ઘણા ધનિક ભારતીયોએ દુબઇમાં આલીશાન મકાનો ખરીદ્યાં
- 2022માં દુબઇના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારતીયોની રૂ. 35,500 કરોડની ખરીદી
- દુબઇના રિયલ એસ્ટેટ માર્કેટના કુલ વેચાણમાં ભારતીયોનો હિસ્સો 15-20 ટકા છે
યુએઇનું દોમ દોમ સાહ્યબીથી ભરેલું શહેર દુબઇ ધનિક ભારતીયોનું નવું ઠેકાણું બની રહ્યું છે. અઢળક સંપત્તિ અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલની ઘેલછા ધનિક ભારતીયોને દુબઇ ભણી આકર્ષી રહી છે. ટૂરિઝમ હબ તરીકે મશહૂર દુબઇમાં બુર્જ ખલીફા સહિત ઘણી ગગનચુંબી ઇમારતો અને ઘણા મોલ છે. તાજેતરના મહિનાઓમાં ઘણા ધનિક ભારતીયોએ દુબઇમાં આલીશાન મકાનો ખરીદ્યા છે. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ શાહરુખ ખાન, વિવેક ઓબેરોય સહિતના બૉલિવૂડ સ્ટાર્સ પણ દુબઇમાં પ્રોપર્ટી ધરાવે છે. ગત વર્ષે દુબઇમાં મકાન ખરીદનારા પૈકી 40 ટકા ભારતીયો હતા. તેમાંથી મોટાભાગના દિલ્હી-એનસીઆર, અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને પંજાબના છે. દુબઇના રિયલ એસ્ટેટ માર્કેટના કુલ વેચાણમાં ભારતીયોનો હિસ્સો 15-20 ટકા છે.
દુબઇમાં મકાન ખરીદવું કેટલું મોંઘું?
દુબઇમાં ભારતીયો જે મકાનો ખરીદે છે તેમની કિંમત 16-17 લાખ દિરહામ (અંદાજે 3.60 કરોડથી 3.85 કરોડ રૂપિયા) આસપાસ હોય છે. આ મકાનોનું માસિક ભાડું ત્રણ લાખથી સાડાત્રણ લાખ રૂપિયા સુધી હોય છે. દુબઇમાં પ્રોપર્ટીના ભાડાથી થતો મુંબઇની જેમ નફો 4-5 ટકા જેટલો હોય છે.
દુબઇ ભારતીયોને આટલું પસંદ કેમ?
દુબઇનું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયાભરના લોકોને આકર્ષે છે. દુબઇમાં ઘણી ઇન્ટરનેશનલ સ્કૂલો પણ છે, જ્યાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. આ બધા પરિબળોના કારણે લાઇફ ક્વોલિટી અપગ્રેડ કરવા ઇચ્છતા ભારતીયોને દુબઇ પસંદ છે. તદુપરાંત, યુએઇએ ગત વર્ષે ગોલ્ડન વિઝા પ્રોગ્રામનું વિસ્તરણ કરતા દુબઇના રિયલ એસ્ટેટ સેક્ટરને બૂસ્ટર મળવા પામ્યું છે.


