- તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપમાં હજુ ભારે વરસાદ વરસી શકે
- જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ સાથે બરફવર્ષા
- રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો
ઊત્તર ભારતમાં કડકડતી ઠંડી ચાલું થઇ ગઇ છે તેની વચ્ચે દક્ષિણના કેટલાક રાજ્યોમાં રવિવારે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. રવિવારે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલ્વીલી, ટેન્કાસી અને થૂટૂકુડીમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. તેની વચ્ચે હવામાન ખાતા દ્વારા 18 ડિસેમ્બર સુધી દક્ષિણના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ પર આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે તમિલનાડુએ તાજેતરમાં જ ચક્રવાતી તોફાન મિચોંગનો માર સહન કર્યો છે અને તેની અસર રૂપે મુશળધાર વરસાદની આશંકા દર્શાવવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કેરળમાં ભારે વરસાદની સાથે તોફાનનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
પહાડોમાં ભારે હિમવર્ષા વચ્ચે દિલ્હીમાં કડકડતી ઠંડી
પાટનગર દિલ્હીમાં કડકડતી ઠંડીનો અહેસાસ શરૂ થઇ ગયો છે. પહાડોમાં એકધારી હિમવર્ષા થઇ રહી છે તેને પગલે સોમવાર સુધીમાં હિમાલયના ઠંડા પવનો દિલ્હી સુધી પહોંચી શકે છે તેથી દિલ્હી સહિતના મેદાની પ્રદેશોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. તે પછી દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં પણ તીવ્ર ઘટાડો થશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.
યુપીમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ
યુપીના પાટનગર લખનઉ શહેર સહિત ઘણા શહેરોમાં રવિવારે સવારે ગાઢ ધુમ્મસ સાથે કડકડતી ઠંડી જોવા મળી હતી. રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જળવાયું હતું, જો કે હવામાન ખાતા દ્વારા વરસાદની સંભાવના દર્શાવાઈ નથી. લખનઉના લઘુતમ 11 ડિગ્રી અને મહત્તમ 24 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


