- શહેરના કાયદો-વ્યવસ્થા અંગે પરિચય કવાયતનાં ભાગરૂપે
- પોલીસ અને અગ્રણી નાગરિકો સાથે માહિતીસભર મુલાકાત કરી
- સઘન ક્વાયત હાથ ધરવામાં આવી
કાલોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મદદરૂપ થવા અંગે પરિચય કવાયતના ભાગરૂપે રેપિડ ટાસ્ક ફોર્સની એક પ્લાટુન રવિવારે કાલોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ અને શહેરના બન્ને કોમના અગ્રણી નાગરિકો સાથે મુલાકાત કરીને શહેરના એક્શન પ્લાન અંગેની માહિતીસભર મુલાકાત કરી હતી.
રેપિડ એક્શન ફોર્સની 100-બટાલિયન મિશન ટાસ્ક ફોર્સ (અમદાવાદ) દ્વારા પંચમહાલ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પરિચય કવાયત અંતર્ગત ટાસ્ક ફોર્સના કમાન્ડન્ટ ગોવિંદ પ્રસાદ ઉનિયાલના માર્ગદર્શન મુજબ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રાજેશ કુમાર તિવારીના નેતૃત્વ હેઠળ એક પ્લાટુને કાલોલ પોલીસ સ્ટેશનમાં મુલાકાત લીધી હતી. રેપિડ ટાસ્ક ફોર્સની પરિચય કવાયતના મુખ્ય ઉદ્દેશ અંગે આસિસ્ટન્ટ કમાન્ડન્ટના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લા અને તાલુકાના મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને મળવાનો, સંવેદનશીલ વિસ્તારોની માહિતી મેળવવાનો તેમજ દરેક વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરોને મળવાનો છે. વધુમાં નગરની સામાજિક અને ભૌગોલિક પરિચયની કવાયત કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવા ઉપરાંત ભવિષ્યના કોઈ કટોકટીના કિસ્સામાં પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે તેવા મુખ્ય સ્ત્ર્રોતો શોધવા અને સ્થાનિક સત્તાધિકારી અને મહત્વના વ્યક્તિઓ સાથે સંકલન કરવાની સઘન ક્વાયત હાથ ધરવામાં આવી હતી. સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત કરવાનો હતો. ટાસ્ક ફોર્સના કમાન્ડન્ટ અને જવાનોએ કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ જે.ડી. તરાલ અને શહેરના બન્ને કોમના અગ્રણી નાગરિકો સાથે પરિચય મુલાકાત કરીને શહેર અને શહેરીજનોનો ચિતાર મેળવ્યો હતો.


