- પાંચવાડા ગામે ટ્રેક્ટરની અડફેટે યુવાનનું મોત
- અંધારી ગામે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું મોત
- માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ટ્રેક્ટરના ચાલકે પુરઝડપે અને ગફ્લત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ હિતેશભાઈ કાળુભાઈ દેવળ તથા તેમની સાથેના જીગરભાઈ (બંન્ને રહે. વાસીયાડુગરી) નાઓને અડફેટમાં લેતાં બંન્ને ફ્ંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેમાં હિતેશભાઈને જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે જીગરભાઈને શરીરે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે કૈલાશભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતને બીજો બનાવ લીમખેડા તાલુકાના અંધારી ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.15મી ડિસેમ્બરના રોજ સરદારભાઈ ઉર્ફે મુન્નાભાઈ પ્રતાપભાઈ ચૌહાણ (રહે. અંધારી, કાંકરા ફ્ળિયા, તા. લીમખેડા, જિ.દાહોદ)એ મોટરસાઈકલ ગફ્લત ભરી રીતે હંકારી અંધારી ગામેથી પસાર થઈ રહ્યા હતા. વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં સરદારભાઈ ફ્ંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સંજયભાઈ નરવતભાઈ ચૌહાણે લીમખેડા પોલીસ મથકે ફરીયાદ નોંધાંવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


