- અમિત શાહનું આણંદમાં સંબોધન
- સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીનાદ સમારોહમાં આપી હાજરી
- યુવાનોને દેશ માટે યોગદાન આપવાનું આહ્વાન કર્યું
આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ 106 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો એનાયત કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવપદવી ધારકોને જીવનમાં કઠિનમાં કઠિનલક્ષી નિર્ધારીત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે યુવાનો ભારતનું ભવિષ્ય છે, ત્યારે ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોઇસ ઓફ યુથ, ચોઇસ ઓફ યુથ, પાવર ઓફ યુથ અને એસ્પિરેશન ઓફ યુથની નીતિ અપનાવી યુવાનો માટે અનેક ક્ષિતિજો ખુલ્લી મૂકી છે.
તેમણે ઉમેર્યું કે, નવી શિક્ષણ નીતિમાં સશક્તિકરણ, જ્ઞાન, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને માતૃભાષા જેવા મહત્વના તત્વોનો સંગમ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિને સ્ટ્રીમલેસ અને ક્લાસલેસ બનાવવાની સાથે તેમાં મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટને પણ સ્થાન આપવામાં આવ્યું છે.તેમણે વિદ્યાર્થીઓને આઝાદીના અમૃતકાળમાં પરિશ્રમ અને વિઝન સાથે નવા ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પનાને સાકાર કરવા હાંકલ કરી હતી. આઝાદીના અમૃતકાળમાં દેશનું નેતૃત્વ યુવાઓના હાથમાં હશે, ત્યારે તેમણે જીવનમાં ભારત પ્રથમ અને વિશ્વમાં તમામ ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હશે તે માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.
ગૃહમંત્રીએ સરદાર સાહેબની કર્મભૂમિને નમન કરતા જણાવ્યું હતું કે, સરદાર સાહેબ ના હોત તો દેશનું અસ્તિત્વ ના હોત, સરદાર સાહેબે આઝાદી બાદ સેંકડો રાજા-રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, જમ્મુ કાશ્મીરમાંથી વડાપ્રધાનએ કલમ 370 ને દુર કરી ત્યારે કેટલાક લોકોએ તેને દુ:ખ સાથે સ્વિકારી હતી, પરંતુ વડાપ્રધાનએ સરદાર સાહેબનું સપનું પુરૂ કર્યું છે. આઝાદી બાદ સરદાર સાહેબને માન સન્માન યશ પ્રતિષ્ઠા ના મળી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિરાટ પ્રતિભાની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા એકતાનગરમાં સ્થાપીને યથાયોગ્ય સન્માન આપ્યું છે. જે આજે વિશ્વ પ્રવાસીઓ માટે કેન્દ્ર બિંદુ બન્યું છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014 માં દેશમાં 400 સ્ટાર્ટઅપ હતા, આજે તેની સંખ્યા બે લાખથી પણ વધારે છે. વર્ષ 2014માં 4 સ્ટાર્ટ અપ યુનિકોર્ન ક્લબની સાપેક્ષમાં આજે 111 સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબ છે. જેમાં મહિલાઓની ભાગીદારી 45 ટકા છે. દેશમાં અગાઉ 50 કેન્દ્રીય વિદ્યાલયો હતી, જેની સામે આજે 56 કેન્દ્રીય વિદ્યાલયો છે. આવી જ રીતે, આઈ. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ 51 ની સામે 58, ટેકનિકલ સંસ્થાઓ ૯0 ની સામે 1૯0, કોલેજની સંખ્યા 43,000 સુધી પહોંચી છે. વડાપ્રધાનએ સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, પી.એલ.આઇ, એફ.ડી.આઇ, ગ્રીન હાઈડ્રોજન, અંતરીક્ષ, ડિફેન્સ મેન્યું ફેક્ટિરિંગ, ડ્રોન પોલિસીઓ જેવા નવા પ્રકલ્પો દ્વારા ભાવિ પેઢી માટે નવી તકોનું સર્જન કર્યું છે, ત્યારે આ તકોનો લાભ લઈને યુવાનો પોતાની કારકિર્દીનું ઘડતર કરે તે જરૂરી છે. દેશની ઈકો સિસ્ટમ યુવાઓ સાથે હોવાનું શાહે ભારપૂર્વક જણાવ્યુ હતું.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અકલ્પનીય રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાતને 20 વર્ષ પુર્ણ થયા છે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનના નેતૃત્વમાં મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ આગળ વધી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ મંત્રીઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દીક્ષાંત એટલે શિક્ષણની સફરનો અંત નહિ પરંતુ જીવનમાં શિક્ષણની નવી યાત્રાનો પ્રારંભ છે. યુવાઓ માત્ર નોકરી મેળવવા માટે નહિ પરંતુ નોકરી આપવા માટે તૈયાર થાય તે માટેના વિવિધ પ્રયાસો અનેકવિધ યોજના અને નિર્ણયોના રૂપમાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. દેશના છેવાડાના અને ગરીબ વર્ગના દરેક વ્યક્તિ સુખી અને સ્વસ્થ જીવન જીવે તે પ્રકારનો સામૂહિક વિકાસ વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમણે નવપદવી ધારકોને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિરંજન પટેલે સૌનો આવકાર કરી પદવીધારકોને શુભેચ્છાઓ પાઠવી હતી.અંતમાં કુલ સચિવ લાલ પટેલે આભાર વિધિ કરી હતી.
ગૃહ મંત્રી શાહે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ક્વિઝ સ્પર્ધા “પ્રશ્નોપનિષદ” ના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિક, કોમર્સ વિદ્યાશાખામાં સ્નાતક અને અનુસ્નાતકમાં યુનિવર્સિટીની પરીક્ષામાં દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને પ્રો. એ. જી. પટેલ પારિતોષિક, સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંશોધન માટે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ ઉપરાંત શ્રેષ્ઠ સંશોધન પત્ર માટે દાદા નવરોજી એવોર્ડ અર્પણ કર્યો હતો.
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિશ્વભરના પ્રમુખ વૈજ્ઞાનિકોની યાદીમાં સમાવિષ્ટ સરદાર પટેલ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવતા ડો.અરૂણ આનંદ અને ડો.સુનિલ ચાકી, રસાયણશાસ્ત્ર વિભાગમાં ફરજ બજાવતા ડો.પ્રજ્ઞેશ દવેનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 15754 વિદ્યાર્થીઓને 11 વિવિધ વિદ્યાશાખાઓ અંતગર્ત પદવીઓ એનાયત કરવામાં આવી હતી.સરદાર પટેલ યુનિવર્સિટીના આરંભ કાળથી આજ સુધીમાં પદવી ધરાવવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3,74,548 થઈ છે.


