- 22, 23 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેથી માવઠાની સંભાવના
- ચક્રવતોના અવશેષો જોવા મળતા સમુદ્રમાં હલચલ થશે
રાજ્યમાં એક તરફ ઠંડીમાં હજી રાહત જોવા મળી રહી છે. કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે તાપમાનમાં વધારો થયો છે. જ્યારે હવે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે તેમજ જાન્યુઆરી મહિનામાં ઠંડીનો પારો વધશે તેવી માહિતી આપી છે.
આ અંગે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં માવઠુ થશે. તેમને જણાવ્યુ કે, ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે, અને આની અસર ગુજરાત પર પડશે. 27 થી 31 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે અને 2024ની શરૂઆતમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
ક્યારે વધશે ઠંડીનો ચમકારો
તેમજ અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 3દિવસ ઠંડીનો ચમકારો રહેશે. જેની સાથે જ 22, 23 ડિસેમ્બરે વાતાવરણમાં પલટો આવશે. જેની સાથે જ 25 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે. ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ થવાને લઇને ઘટશે.
આ સાથે જ જાન્યુઆરી-2024 ના પ્રારંભમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં શરૂઆતમાં જ માવઠાની સંભાવના રહેલી છે. આ વર્ષે ઠંડી લાંબો સમય રહે તેવી સંભાવના રહેલી છે. ડિસેમ્બર અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં કાતિલ ઠંડી રહી શકે છે. ગુજરાતમાં આગામી જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની શક્યતા છે.


