- મનપા તંત્રની પરીક્ષામાં હંગામો
- OMR શીટ બદલાઈ જતા હોબાળો
- 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા
વડોદરામાં મનપા તંત્રની પરીક્ષા દરમિયાન એક વિવાદિત ઘટના બની હતી. હકીકતે વડોદરામાં આજે મનપાની એક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં વડોદરા શહેરમાં આવેલી નાલંદા ઈન્ટરનેશનલ સ્કૂલ યુનિટ નંબર 2માં પરીક્ષામાં હોબાળો થયો હતો. જેમાં 300 વિદ્યાર્થીઓની OMR બદલી નાખવામાં આવી હતી. જેના લીધે પરીક્ષાર્થીઓ એક્ઝામ આપવાથી વંચિત રહ્યા હતા.
આ મામલે વધુ વિગત અનુસાર વડોદરા મનપાની પરીક્ષામાં OMR શીટ બદલાઈ જતા વિદ્યાર્થીઓને મોટું નુકસાન ગયું છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ અહીં સર્જાઈ છે. તંત્રની ગફલતના કારણે એક સેન્ટરના વિદ્યાર્થીઓની OMR શીટ બીજા સ્થળે પહોંચી જતાં લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ સેન્ટર પર હાજર હોવા છતાં પણ એક્ઝામ આપવાથી વંચિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વિગતે માહિતી અનુસાર આ ઘટના શહેરની નાલંદા ઈન્ટરનેશનલ સ્કૂલ યુનિટ નંબર 2 ખાતે બની હોવાનું સામે આવ્યું છે.
OMR શીટ મામલે તંત્રની લાપરવાહી સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ વડોદરા મનપા તંત્રના ગેરવહીવટ અને પરીક્ષામાં થયેલી અવ્યવસ્થાને લઈને ખાસ્સી નારાજગી વ્યક્ત કરી હતી. સામટા 300 વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર કરતી આ ભૂલના લીધે આ વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવું પડ્યું છે. આ ઉપરાંત હવે આ મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેમજ જવાબદારો સામે તપાસના અંતે શું પગલાં લેવાશે તે મામલે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. જો કે સૌથી મોટો પ્રશ્ન આ 300 વિદ્યાર્થીઓનો છે. તેમના માટે તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવશે તેના પર વિદ્યાર્થીઓની નજર છે.


