- સોમવારે શરૂઆતી ટ્રેડિંગમાં જૂથ શેર્સ 4 ટકા જેટલાં નીચે ટ્રેડ થયાં
- સજ્જન જિંદાલ તેમની સામેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
- જિંદાલ એનર્જીનો શેર રૂ. 435.95ની સપાટીએ બંધ
સ્ટીલ સેક્ટરમાં અગ્રણી હાજરી ધરાવતાં JSW ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલ પર મુંબઈની મહિલાએ રેપનો આક્ષેપ કરતાં સોમવારે શેરબજારમાં શરૂઆતી કામકાજમાં જૂથ કંપનીઓના શેર્સ 4 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે, સ્ટીલથી પાવર સુધીના સેક્ટર્સમાં હાજરી ધરાવતાં જૂથના ચેરમેને મહિલાના આક્ષેપોને નકાર્યાં હતા.
JSW સ્ટીલનો શેર અગાઉના રૂ. 867.20ના બંધ ભાવ સામે રૂ. 844ની સપાટી પર ખૂલી 3.6 ટકા ઘટાડા સાથે રૂ. 436ના તળિયા પર ટ્રેડ થઈ કામકાજની આખરમાં રૂ. 854.90 પર બંધ રહ્યો હતો. જે 1.42 ટકા ઘટાડો સૂચવે છે. જિંદાલ એનર્જીનો શેર રૂ. 434.75ના અગાઉના બંધ સામે 0.28 ટકા સુધારા સાથે રૂ. 435.95ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે તાજેતરમાં લિસ્ટ થયેલી જૂથ કંપની JSW ઈન્ફ્રા.નો શેર રૂ. 231.60ના અગાઉના બંધ સામે રૂ. 232 પર બંધ હતો. જૂથની હોલ્ડિંગ કંપની JSW હોલ્ડિંગનો શેર ગયા શુક્રવારના રૂ. 5153.25ના બંધ સામે રૂ. 5080.10ની સપાટીએ ખૂલી 1.57 ટકા ઘટાડે રૂ. 5077.50 પર બંધ રહ્યો હતો.કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે સજ્જન જિંદાલ તેમની સામેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવે છે.


