- યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી રિક્ષા અને ટેક્સી સેવા બંધ રાખવાની ચીમકી
- વાઈબ્રન્ટ અને ડેવલોપમેન્ટના હેતુને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો : એરપોર્ટ મેનેજમેન્ટ
- 10 ગાડીઓને જ ઉભા રાખવા અને નંબર મુજબ આવવાની વ્યવસ્થા કરી
અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર સોમવારે ટેક્સીચાલકોને પાર્કિંગ ખાલી કરવાના મુદ્દે નોટિસ આપતાં ટેક્સી સેવા બંધ કરતાં વિવાદ ઉભો થયો હતો. સોમવારે ટેક્સીચાલકો સાથે રિક્ષાચાલકોએ પણ હડતાળ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. અને જ્યાર સુધી યોગ્ય ઉકેલ ન આવે ત્યાર સુધી શાંતિપુર્ણ રીતે ટેક્સી અને રિક્ષાચાલકો પેસેન્જર નહિં ભરવાની ચિમકી ઉચ્ચારી છે. ઇન્ટરનેશનલ ખાતે પાર્કિંગ ફાળવતાં 15 મિનિટનો સમય લાગે અને પેસેન્જરોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાય તેવી રજૂઆત કરી હતી તો બીજી તરફ એરપોર્ટ મેનેજમેન્ટે ડેવલોપમેન્ટ કરવાનું હોવાથી અને વાઈબ્રન્ટ સમયે મૂવમેન્ટ વધવાને પગલે નિર્ણય લેવાયો છે અને 10 ગાડીઓને જ ઉભા રાખવા અને નંબર મુજબ આવવાની વ્યવસ્થા કરી છે.
એરપોર્ટ પર વર્ષોથી કાર્યરત ટેક્સી ઓનર્સ એસોસિએશન અને ટેક્સી ડ્રાઇવર એમ બે એસોસિએશનની કુલ 130થી વધુ ટેક્સીઓ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ક થાય છે. જોકે એરપોર્ટ મેનેજમેન્ટ કરતી ખાનગી કંપનીએ ત્રણ દિવસ પહેલા જ આ પાર્કિંગ સ્ટેન્ડમાં એક નોટિસ મારીને અહીંયા કોઈએ કાર પાર્કિંગ કરવી નહી. જેથી સોમવારે સવારથી ટેક્સી ચાલકોમાં રોષે ભરાઈને ટેક્સી સેવાને પણ બંધ કરતા પેસેન્જરોને પણ હાલાકી પડી હતી. એરપોર્ટ મેનેજમેન્ટ કરતી ખાનગી કંપનીએ જણાવ્યું હતું કે, ડોમેસ્ટિક ટર્મિનલની બહાર પાર્કિંગ જગ્યામાં ડેવલોપમેન્ટ કરવાની સાથે વાઈબ્રન્ટ નજીક આવતા મુવમેન્ટ વધવાની શક્યતાઓને લીધે આ નિર્ણય લીધો છે.


