- રાજ્યનું સૌથી મોટું ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું
- ઓલપાડના માસમા ગામેથી ઝડપાયું ગેસ રિફીલિંગ કૌભાંડ
- ગેસ સિલિન્ડરમાંથી દોઢથી 2 કિલો ગેસ કાઢી લેતા
સુરતમાં જાણે કે ક્રાઇમ રેટ સતત વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. સુરતના ઓલપાડથી વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઓલપાડમાં સુરત LCB અને ઓલપાડ પોલીસ સ્ટેશન દ્વારા દરોડા પાડીને ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશન દ્વારા રાજ્યના સૌથી મોટા રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત એલસીબી અને ઓલપાડ પોલીસ દ્વારા પાડવામાં આવેલ સંયુક્ત દરોડામાં ગેસ રિફિલિંગના કૌભાંડનો ખુલાસો થયો છે. સુરત જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસ દ્વારા ઓલપાડના માસમા ગામે પિંકી ગેસ એજન્સી પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના દરોડામાં સામે આવ્યું હતું કે ગેસ એજન્સી દ્વારા સીલ પેક બોટલના સીલ ખોલી અંદર થી ગેસની ચોરી કરવામાં આવતી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ગઠિયાઓ દ્વારા દરેક બાટલામાંથી દોઢ થી 2 કિલો ગેસ કાઢી લેવામાં આવતો હતો. દરોડામાં પોલીસને 887 જેટલા ખાલી અને ભરેલા ગેસના બાટલા ઝડપાયા છે. તો સાથે સાથે, પોલીસ દ્વારા ગોડાઉન પરથી 8 જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સમગ્ર મામલે કુલ આશરે 20થી 25 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને ગેસ ચોરી કરતાં 4 આરોપીની ઘટના સ્થળેથી અટકાયત કરવામાં આવી છે.


