- ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- ધ્રાંગધ્રા પાલીકા સહિત તંત્ર ખડેપગે રહ્યું
- લગ્નમાં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં લગ્ન પ્રસંગમાં આવેલા 30 લોકોમાં ફૂડ પોઇઝનની અસર જોવા મળી છે. લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ત્રીસ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. આ 30 લોકો પૈકી મોટા ભાગના બાળકો હોવાનું સામે આવ્યુ છે. જેમને ફૂડ પોઇઝનિંગ થયુ છે તે તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મુસ્લિમ સમાજનો લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા. જો કે લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ એક પછી એક લોકોની તબીયત લથડવા લાગી હતી. આસરે 30 જેટલા લોકોને ઝાડા-ઊલ્ટીની સમસ્યા થવા લાગી હતી. ત્રીસ જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બીમાર પડેલા લોકોમાં મોટા ભાગના બાળકો હતા. 30 પૈકી લગભગ 24 જેટલા તો બાળકો જ હોવાનું સામે આવ્યુ છે. લોકોની તબિયત લથડતા તેમને ધ્રાંગધ્રાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકોની તબિયત લથડતા ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ભોજન બાદ હળવદ પરત ફરેલા 8ને પણ અસર થઇ હતી. જેમને હળવદ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકા સભ્યો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જો એડમિટ થયેલા દર્દીઓને અચાનક વધુ સારવારની જરૂર પડે તો તે માટે 108 સહિત પાલિકાની એમ્બયુલેન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે.


