- આખી રાત જેટકો ઓફિસ બહાર મોરચો માંડ્યો
- MDને મળવાની માગ સાથે ઉમેદવારોના ધરણા
- MD ન મળે તો જ્યાં હશે ત્યાં જઈશું : યુવરાજસિંહ
વડોદરામાં બીજા દિવસે જેટકો ઓફિસ બહાર ધરણા યથાવત રહેતાં જોવા મળ્યા છે. જેમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા રદ કરી દેવાના જેટકોના નિર્ણય બાદ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમના વતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જેટકો ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું કે, આખી રાત અમે કડકડતી ઠંડીમા બેસી રહ્યા છે. અમને કોઈ અધિકારીએ પૂછ્યું નહીં. અમે એમ.ડી ને મળી ને જ રહીશું. તેમજ જો જરૂર પડશે તો એમ.ડી ના ઘર નો ઘેરાવ કરીશું. તેમજ આગામી દિવસોમાં અન્ય રચના બનાવીશું.
આ અગાઉ ઉમેદવારોને સાથે રાખીને તેમણે જેટકોના એચઆર વિભાગના જનરલ મેનેજર સાથે બેઠક કરી હતી. એ પછી તેમણે કહ્યું હતું કે, જેટકોના એમડીને અમે મળવા માટે ગયા હતા પણ એમડી મળ્યા નહોતા. આથી અમે આવેદનપત્ર આપ્યુ નથી. અમે જેટકોના એમડીને આવેદનપત્ર આપ્યા વગર પાછા જવાના નથી.
સાથે સાથે તેમણે કહ્યું હતું કે, સમગ્ર મામલામાં ઉમેદવારોની કોઈ ભૂલ નથી. પોલ ટેસ્ટમાં ગેરરીતિ કે ગરબડ થઈ હોય તો તે માટે અધિકારીઓ જવાબદાર છે અને તેમની ભૂલનું પરિણામ વિદ્યાર્થીઓ ભોગવે તે યોગ્ય નથી. આ મામલે જલદ આંદોલન કરાશે અને જરુર પડી તો ઉર્જા મંત્રીના ઘર તેમજ ગુજરાત વિધાનસભાનો પણ ઘેરાવ કરવામાં આવશે.
પરીક્ષાની નવી તારીખ જાહેર
મહત્ત્વનું છે કે, જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી પ્રક્રિયા માટે નવેસરથી પરીક્ષા લેવા સામે પાસ થયેલા ઉમેદવારોએ કરેલા ભારે વિરોધ અને દેખાવોની જેટકોના સત્તાધીશો પર કોઈ અસર થઈ નથી. જેટકો દ્વારા નવેસરથી પરીક્ષા લેવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે અનુસાર ઉમેદવારોનો તા.28 અને 29ના રોજ પોલ ટેસ્ટ યોજાવામાં આવશે. જ્યારે 7 જાન્યુઆરી લેખિત પરીક્ષા યોજવામાં આવશે.જેટકોએ પોતાની વેબસાઈટ પર સતાવાર રીતે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે.
આ પોલ ટેસ્ટ માટે રાજકોટ ઝોનમાં 6 સ્થળો, ભરૂચ ઝોનમાં 3 સ્થળો અને મહેસાણા ઝોનમાં 3 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ માટે ઉમેદવારોને કોલ લેટર મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે સાત ડિસેમ્બરે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા લેવામાં આવશે. નોંધનીય છેકે, 1224 જગ્યાઓ માટે અગાઉ લેવાયેલી પરીક્ષા પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો બાદ રદ કરી દેવાની જાહેરાત જેટકો દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી.


