- પોલીસને બચાવવા મથતી સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી જવાબ આપ્યો
- બલ્ગેરિયન યુવતીની અરજી પરની સુનાવણી પૂર્ણ, આજે ચુકાદાની શક્યતા
- પોલીસ દ્વારા આ કેસમાં સાચી હકીકતો છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે
ગુજરાતની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરુધ્ધ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રિટની સુનાવણીમાં આજે પીડિતા અને સરકારપક્ષ તરફ્થી એફીડેવીટ રજૂ કરવામાં આવી હતી. સરકારપક્ષ તરફ્થી એફીડેવીટ રજૂ કરી સ્પષ્ટ કરાયું હતું કે, મહિલા પોલીસ મથકના એ વખતના સીસીટીવી ફુટેજ મળ્યા નથી. એક મહિનો જેટલો જ સીસીટીવી સંગ્રહ થાય છે ત્યારબાદ ઓવરરાઇટ થઇને નવુ રેકોર્ડિંગ થાય છે. તો, પીડિત યુવતી તરફ્થી ગત તા.9 અને 10 એપ્રિલના રોજ પોલીસ કમિશનર સહિતના સંબંધિત સત્તાવાળાઓને કરાયેલી ફરિયાદ કે જેમાં હત્યાના પ્રયાસ અને જાતીય સતામણીના આક્ષેપો કરાયા હતા તે અને ટ્રાન્સ્ક્રીપ્ટ અંગે સોગંદનામું રજૂ થયું હતું અને જણાવ્યું હતુ કે, પોલીસ દ્વારા આ કેસમાં સાચી હકીકતો છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે અરજદારપક્ષને તમે સમગ્ર મામલામાં ઇશ્યુ બધા મીક્સ કરી નાંખ્યા છે તેવી ટકોર પણ કરી હતી. પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અદાલત દ્વારા આવતીકાલે પોતાનો ચુકાદો જાહેર કરાય તેવી શકયતા છે.
હાઇકોર્ટના નિર્દેશાનુસાર, મહિલા પોલીસમથકના એસીપી હિમાલા જોશી તરફ્થી રાજય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરાયુ હતુ અને જણાવાયું હતું કે, અરજદાર યુવતી જે ફરિયાદી કોપી પોલીસે ગાયબ કર્યાનો આક્ષેપ કરે છે તેની કોપી પોલીસ પાસે ઉપલબ્ધ છે.


