- કેન્દ્ર સરકાર દ્વારા નવા ટેલિકોમ કાયદામાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરાયા
- ટેલિકોમ સેકટરને લગતા જૂના 1885, 1933 અને 1950નાં કાયદાઓ રદ
- વ્યક્તિની ઓળખ અને વેરિફિકેશન માટેની જોગવાઈઓ કડક બનાવાઈ
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં ધરખમ સુધારા સાથેનું નવું ટેલિકોમ બિલ પસાર કરવામાં આવ્યું છે જેનાં પર રાષ્ટ્રપતિની સહી થતા તે કાયદો બની જશે. સરકારે નવા ટેલિકોમ બિલમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કર્યા છે. મન ફાવે તેમ સિમ કાર્ડ બદલતા અને સિમ કાર્ડનો આડેધડ ઉપયોગ કરનારાઓ પર તેમાં તવાઈ ઉતારવામાં આવી છે. કેટલીક જોગવાઈએ કડક બનાવાઈ છે. ટેલિકોમ સેકટરને લગતા જૂના 1885, 1933 અને 1950નાં કાયદાઓને રદ કરાયા છે. જેનું સ્થાન હવે નવો કાયદો લેશે. વ્યક્તિની ઓળખ અને વેરિફિકેશન માટેની જોગવાઈઓ કડક બનાવાઈ છે.
શું છે મહત્વની જોગવાઈઓ?
- જો કોઈ વ્યક્તિ નવું સિમકાર્ડ મેળવવા બીજાના સરકારી IDનો ઉપયોગ કરતો જણાય તો તેને 3 વર્ષ માટે જેલની સજા કરાશે કે મહત્તમ રૂ. 50 લાખનો દંડ કે બંને સજા કરાશે.
- જો કોઈ મોબાઈલ યુઝર્સે એક જ આધાર નંબર પર 9 કે તેથી વધુ સિમ કાર્ડ મેળવ્યા હશે તો તેને પહેલીવાર રૂ. 50,000નો દંડ કરાશે અને તે પછી દરેક ગુના માટે રૂપિયા બે લાખનો દંડ કરાશે.
- જો કોઈ કંપની અધિકૃત પરવાના વિના સર્વિસ આપતી જણાશે તો તેનાં સંચાલકોને 3 વર્ષની જેલ અને રૂપિયા 2 કરોડનો દંડ કે બંને સજા કરાશે.
- જો કોઈ વ્યક્તિ કે કંપની શરતોનો ભંગ કરતી જણાશે તો તેને રૂપિયા પાંચ કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
- જો કોઈ ગુનેગાર કસ્ટમ સિમ બોક્સ પર કબજો જમાવીને કે અન્ય રીતે ગેરકાયદેસર ઈન્ટરનેશનલ ફોન કોલ્સ કરતો જણાશે તો તેને 10 લાખ સુધીનો દંડ કરાશે.
- ટેલિકોમ કંપનીઓએ સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી જ જરૂરી સાધનસામગ્રી મેળવવાની રહેશે. ટેલિકોમ નેટવર્કમાં સાઈબર સિક્યુરિટી માટે સરકાર નિયમો ઘડી શકશે.
- ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) નાં ચેરમેનને ઓછામાં ઓછો 30 વર્ષનો અનુભવ હોવો જોઈશે. ટ્રાઈનાં સભ્યો માટે યોગ્યતાનું ધોરણ 25 વર્ષનો અનુભવ રહેશે.
- જાહેરાતોનાં સંદેશાઓ માટે કંપનીઓ અગાઉથી યૂઝર્સની મંજૂરી મેળવેલી હોવી જોઈશે.
- ટેલિકોમ કંપનીઓએ ડૂ નોટ ડિસ્ટર્બ નંબર્સનો રેકોર્ડ રાખવો પડશે. ફરિયાદોનાં નિવારણ માટે ઓનલાઈન વ્યવસ્થા ગોઠવવી પડશે.
- ગ્રાહકોની ઓળખ માટે વેરિફિકેશન કરવા તેમનું બાયો મેટ્રિક્સ આધારિત ઓળખપત્ર રાખવાનું રહેશે જેમાં આધાર કાર્ડ જેવી ઓળખનાં પુરાવાની વિગતો રાખવાની રહેશે.
- રાષ્ટ્રીય સુરક્ષા, ડિફેન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટ જેવા કેટલાક કિસ્સા સિવાય ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે.


