- હુમલાખોર આતંકવાદી અને તેમના છુપાવાના સ્થાનોની સઘન શોધખોળ
- શખમંદો હુમલાખોર આતંકવાદીઓ વિશે જાણકારી ધરાવતા હોવાની આશંકા
- સ્થાનિકોની પણ સંડોવણી હોવાની વકી
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં દેહરા કી ગલી નજીક સશસ્ત્ર ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં ગુરુવારે પાંચ ભારતીય સૈનિકો શહીદ થયા પછીની દિવસે સુરક્ષા દળોએ જંગી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પૂંછ વિસ્તારમાંથી બે શકમંદોની અટકાયત કરવામાં આવી છે. સુરક્ષા દળોએ અથડામણ સ્થળેથી જ તેમની અટકાયત કરી હતી. સુરક્ષા દળોનું માનવું છે કે તેઓ હુમલાખોર આતંકવાદીઓ વિષે જાણકારી ધરાવે છે. રાજૌરી અને પૂંછના ઉપરવાસના વિસ્તારોમાં પણ ઘેરાબંધી કરીને સ્નીફર ડોગ્સ અને ડ્રોનની મદદથી હુમલાખોર ત્રાસવાદીઓની શોધખોળ ચાલી રહી છે. સુરક્ષા દળો તેમના બાતમી તંત્ર સહિતના નેટવર્કની મદદથી પહાડી ગાઢ જંગલ વિસ્તારોમાં ત્રાસવાદીઓના છુપાવાના સ્થળની શોધખોળ ચાલી રહી છે. 16મી કોર્પ્સનું નેતૃત્વ કરી રહેલા જનરલ ઓફિસર લેફ.જનરલ સંદીપ જૈન પણ સ્થળ મુલાકાત લઇને ટોચના અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી રહયા છે. સર્ચ ઓપરેશન પર સીધી નજર રાખી રહ્યા છે. સર્ચ ઓપરેશન માટે રાજૌરી- પૂંછને જોડતો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ગઇકાલે ગુરુવારે ત્રણથી ચાર ત્રાસવાદીઓએ રાજૌરી- પૂંછને જોડતા રસ્તાને સમાંતર આવેલી ઊંચી પહાડીઓ પર સ્થાન લઇને રસ્તે જઇ રહેલા સૈન્યના બે વાહનોને નિશાન બનાવ્યા હતા. હુમલામાં સાત જવાનોને ઇજાઓ પહોંચી હતી. તે પૈકી પાંચ જવાનો સારવાર દરમિયાન શહીદ થઇ ચૂક્યા છે અને બાકીના ત્રણ જવાનોની સ્થિતિ હજી ગંભીર છે.
પૂંછ સરહદી વિસ્તારમાં ત્રાસવાદી હુમલા વધ્યા
પીર પંજાલથી દક્ષિણે આવેલા આ સરહદી વિસ્તારમાં કાશ્મીર ખીણને મુકાબલે ત્રાસવાદી હુમલાનું પ્રમાણ વધ્યું હોવાનું મનાઇ રહ્યું છે. આ વર્ષે આ વિસ્તારમાં સર્જાયેલી અથડામણોમાં 24 ત્રાસવાદી અને 20 જવાનો સહિત કુલ 51 લોકો માર્યા ગયા છે. વિસ્તારમાં પાકિસ્તાને કદાચ વ્યૂહો બદલી નાખ્યા છે. આ સરહદી વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યની હાજરી ઘટાડી દેવામાં આવી છે. તેને કારણે આ બે સરહદી વિસ્તારમાં વીતેલા બે વર્ષમાં ત્રાસવાદી હુમલાનું પ્રમાણ વધ્યું છે.
હુમલાખોરો પાસે હતા અમેરિકી હથિયાર
પૂંછ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓએ અમેરિકી બનાવટના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. સાશિયલ મીડિયા સાઇટ પર આતંકવાદીઓએ હુમલો કર્યો તે સ્થળની તસવીરો પણ શેર કરી છે. તે તસવીરો દેખતાં જોઇ શકાય છે કે હુમલાખોરોના હાથમાં અમેરિકી બનાવટની એમ 4 કાર્બાઇન અસોલ્ટ રાઈફલ હતી. પીપલ્સ એન્ટિ ફાસિસ્ટ ફરન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે.


