- પાલિકાનું વહીવટી તંત્ર આંખ આડા કાન કરી દબાણકર્તાઓને પ્રોત્સાહન આપે છે
- રહીશો રજૂઆત કરીને થાક્યા પણ દબાણો દૂર ન થતાં આક્રોશ
- શહેરના મુખ્ય માર્ગ પર જ બંને તરફ્ છેલ્લા એક મહિનાથી દબાણોનો રાફ્ડો
બોરસદ શહેરના બસ સ્ટેન્ડથી આણંદ ચોકડી સુધીમાં 100થી વધુ દબાણોનું રાફ્ડો ફાટી નીકળ્યો છે. રોડની બંને તરફ્ ઠેર-ઠેર લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ દબાણ કરી દીધું છે. નડતરરૂપ બનેલા દબાણો અંગે પાલિકા આંખ આડા કાન કરી દબાણદારોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહી હોય શહેરભરમાં ચર્ચાઈ રહ્યું છે. બોરસદ નગરપાલિકામાં વહીવટદાર શાસન હોય પાલિકાના વહીવટદાર ચીફ્ ઓફ્સિર અને તમામ કર્મચારીઓ આજ માર્ગો પરથી અવરજવર કરે છે. પરંતુ આ દબાણ હટાવવા માટે કોઈ કાર્યવાહી કરતી નથી.આમ, દબાણ હટાવવા માટે પાલિકાને જાણે રસ જ ન હોય તેવું ચિત્ર રજૂ થતા નગરજનોમાં રોષ વ્યાપ્યો છે.
બોરસદમાં આણંદ ચોકડી વિસ્તાર જે શહેરનું મુખ્ય માર્ગ છે. ત્યારે સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ આણંદ ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીના માર્ગ ઉપર ફૂલ-ઝાડ-છોડ વૃક્ષારોપણ કુંડાઓમાં પણ ફૂલોના છોડ વાવ્યા છે. બાકડા મુકીને રાહદારીઓને બેસવાની સુંદર વ્યવસ્થા કરેલી છે. પ્રવેશદ્વાર પાસે સંસ્થા દ્વારા વેલકમનું આઈ લવ બોરસદ બોર્ડ પણ લગાવવામાં આવેલું છે. આ જ માર્ગ ઉપર એક દાતા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિશાળ પ્રવેશદ્વાર પણ બનાવવામાં આવનાર છે, જેનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના મુખ્ય માર્ગ પર જ બંને તરફ્ છેલ્લા એક મહિનાથી દબાણોનો રાફ્ડો ફાટી નીકળ્યો છે.


