- ખેતી તરફ વળવા ખેડૂતોને આહ્વાન કરાયું
- બેચરીના ખેડૂતને કેપ્સિકમ મરચાંની પાકૃત્તિક ખેતી માટે જિલ્લાકક્ષાનો એવોર્ડ એનાયત
- આણંદ જિલ્લામાં પ્રાકૃત્તિક ખેતી
આણંદ જિલ્લાના ખેડૂતો પ્રાકૃત્તિક ખેતી તરફ વળી રહ્યા છે. ઉમરેઠ તાલુકાના બેચરી ગામના ભગવતભાઇ પટેલે કેપ્સીકમ મરચાની પ્રાકૃત્તિક ખેતી કરી જિલ્લાકક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ મેળવ્યો છે. જયારે તાલુકાકક્ષાના 10 ખેડૂતોએ પશુપાલન, ગુલાબ અને હજારીની વૈજ્ઞાનિક ખેતી, ડાંગર, બાજરી, ઘઉમાં પ્રાકૃત્તિક ખેતીની પદ્ધતિ અપનાવીને તેઓએ પણ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ હાંસલ કર્યો છે. જેમાં સરકાર દ્વારા જિલ્લાકક્ષાના ખેડૂતને 25 હજાર અને તાલુકાકક્ષાના પ્રત્યેક ખેડૂતને 10 હજારના પુરસ્કારો આપવામા આવ્યા છે.
આણંદ જિલ્લામાં ખેડૂતો દ્વારા સુધારેલા ખેતઓજારો થકી વૈજ્ઞાનિક ખેતી દ્વારા સમયાંતરે નવો ચીલો ચાતરી નીત-નવા પાકોનુ મબલખ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે પગભર થયા છે. જેમા છેલ્લા કેટલાક સમયથી રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના ઉપયોગથી ખેતીપાક, જમીનો તેમજ સજીવસૃષ્ટિને પહોંચતા નુકશાનને લઇને પ્રાકૃત્તિક કૃષિ-ઓર્ગેનીક ખેતીનો મહિમા વધ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં ઉત્કૃષ્ટ કાર્યો માટે રવિકૃષિ મહોત્સવ 2023 હેઠળ બેસ્ટ આત્મા એવોર્ડ-2021-23 અંતર્ગત આણંદ જિલ્લામાં 11 ખેડૂતોની પસંદગી કરી એવોર્ડ એનાયત કરવામા આવ્યા છે. જેમાં બેચરી ગામના ભગવતભાઇ પટેલને કેપ્સીકમ મરચામા પ્રાકૃત્તિક ખેતી અપનાવવા બદલ જિલ્લાકક્ષાના બેસ્ટ આત્મા એવોર્ડ અંતર્ગત 25 હજાર રૂપિયાનુ પારિતોષિક એનાયત કરાયુ છે. જયારે તાલુકાકક્ષાએ 10 ખેડૂતોને બેસ્ટ આત્મા એવોર્ડ અંતર્ગત 10-10 હજારનુ પારિતોષિક આપવામા આવ્યુ છે. જેમાં ઉમરેઠ તાલુકાના હમીદપુરા ગામના રૂપલબેન પટેલને આદર્શ પશુપાલન માટે, બેચરીના ભરતભાઇ પટેલને ગુલાબ અને લેમન હજારીની વૈજ્ઞાનિક ખેતી માટે, અરડીના રયજીભાઇ પરમારને ડાંગર પાકમા પ્રાકૃત્તિક ખેતી, બોરસદ તાલુકાના દાવોલના ગોપાલભાઇ પઢિયારને પ્રાકૃત્તિક પદ્ધતિથી બાજરીની ખેતી, ખંભાત તાલુકાના વડગામના ઇશ્વરભાઇ જાદવને ઘઉં પાકમા પ્રાકૃત્તિક કૃષિપદ્ધતિ, પીપળોઇના મનુભાઇ મકવાણાને ડાંગરમા પ્રાકૃત્તિક ખેતી, આંકલાવ તાલુકાના કોસીન્દ્રાના કોકીલાબેન પઢિયારને આદર્શ પશુપાલન, આણંદ તાલુકાના કણભાઇપુરાના કાંતિભાઇ પટેલને મરચીપાકમા પ્રાકૃત્તિક કૃષિપદ્ધતિ, રાહતલાવ ગામના કિરીટભાઇ સૌઢા પરમારને આદર્શ પશુપાલન માટે, સોજીત્રા તાલુકાના ગાડા ગામના પારૂલબેન પટેલને પશુપાલન માટે તાલુકાકક્ષાના એવોર્ડ એનાયત કરાયા છે.


