- નલિયામાં 11 ડિગ્રી, કંડલામાં તાપમાન 14 ડિગ્રી
- ગાંધીનગરમાં 16 અને ડિસામાં 13 ડિગ્રી તાપમાન
- રાજ્ય આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહવું પડશે
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે. જેમાં નલિયામાં 11 ડિગ્રી, કંડલામાં તાપમાન 14 ડિગ્રી, ગાંધીનગરમાં 16 અને ડિસામાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજકોટમાં 14, કેશોદમાં 15 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી સાથે વડોદરામાં 15, સુરેન્દ્રનગરમાં 16, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન રહ્યું છે.
રાજ્ય આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે
રાજ્ય આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે. ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆત હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જાવ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી રહેશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે.
અમદાવાદમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
જમ્મુ કાશમીર સહિત દેશના ઉત્તરીય ભાગમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ભારતમાં જોરદાર ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તરપૂર્વીય ઠંડા પવનની અસરને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં નલિયાનું લઘુતમ તાપમાન ઘટી 11 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. ડીસામાં 13, ભુજમાં 14, રાજકોટમાં 14, વડોદરામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. તો રાજ્યના પાટનગરમાં 16 ડિગ્રી અને અમદાવાદમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.


