- કોરોના, ક્વોરીની હડતાળ સહિતના કારણો ધરીને બીજીવાર મુદત વધારો આપવા હિલચાલ
- સ્ટીલ, સિમેન્ટના ભાવનો વધારો ચૂકવવાની જોગવાઈને પગલે વધારાનો ખર્ચ બોજ
- અગાઉ આ કોન્ટ્રાક્ટરને 12 મહિનાની મુદત વધારી આપવામાં આવી હતી
અમદાવાદમાં નવા પશ્ચિમ ઝોનમાં હોટલ, રેસ્ટોરેન્ટ, કોર્પોરેટ ઓફિસો અને કોમર્શિયલ મિલકતો ધરાવતા સિંધુભવન રોડ અને પ્રહલાદનગર રોડ પર વાહનચાલકોને પાર્કિંગની સુવિધા પૂરી પાડવા માટે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ બંન્ને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા માટેની કામગીરી વિવિધ કારણોસર વિલંબમાં પડી છે અને આ બંન્ને પાર્કિંગ માટે ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટર શાંતિ કન્સ્ટ્રક્શનને કોરોના, ક્વોરી ઓપરેટરોની હડતાળ, મજૂરોની અછત સહિતના કારણો આગળ ધરીને પૃાદવર્તી અસરથી મુદત લંબાવી આપીને કોન્ટ્રાક્ટરને છાવરવાનો કારસો ધરાવતી માટેની બે વિવાદાસ્પદ દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ થશે. સૂચિત મુદત વધારો અને કામગીરીમાં વિલંબના કારણે શહેરીજનોને સિંધુભવન રોડ અને પ્રહલાદનગર રોડ પર વાહનોના પાર્કિંગ માટેની સુવિધા પ્રાપ્ત કરવામાં વિલંબ થશે. એટલું જ નહીં પરંતુ વધારેલી સમય મર્યાદા સુધી સ્ટીલ, સિમેન્ટના ભાવનો વધારો ચૂકવવાની જોગવાઈને પગલે AMC તિજોરી પર વધારાનો ખર્ચ બોજ પડશે. આ બંન્ને મલ્ટીલેવલ પાર્કિંગ કામગીરી માટે કોન્ટ્રાક્ટરને લાભ ખટાવવાની હિલચાલ હાથ ધરાઈ રહી હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કોન્ટ્રાક્ટરને 12 મહિનાની મુદત વધારી આપવામાં આવી હતી અને હવે બીજી વખત મુદત વધારો આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સિંધુ ભવન રોડ પર TP -50 FP નં.- 368માં અને પ્રહલાદનગર ગાર્ડનની સામે TP -23 FP નં.-10 + TP-25 FP નં.-117 માં મલ્ટીલેવલ પાર્કીંગ કમ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ઓફિસો બનાવવાની સ્ટે.કમિટીની મળેલ મંજુરી અન્વયે ચાલી રહેલ કામમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-19 ના કારણે અગાઉ 12 માસ મંજુર કરેલ સમયમર્યાદા વધારવાની મંજુરી મુજબ તા.10-06-2022 સુધી વધારાઈ હતી.


