- છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીનો સુરતમાં સારો વિકાસ થયો
- IPLના દર્શકો તેમજ અન્ય સ્પોર્ટસના પ્લેયર્સના કપડાં માટે સુરતના ગારમેન્ટની ડિમાન્ડ
- ઓડિયન્સ માટેનું સરક્યૂલર નીટેટ કાપડ 100 ટકા પોલિએસ્ટર હોય છે
આઈપીએલ ભારતની સૌથી પ્રખ્યાત અને રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તાજેતરમાં અલગ અલગ ટીમો દ્વારા પ્લેયર્સની ખરીદી પણ કરવામાં આવી છે. આઈપીએલ ટુર્નામેન્ટની જેટલી ઉત્સુક્તાથી ક્રિકેટ પ્રેમીઓ રાહ જુએ છે તેના કરતા બમણા ઉત્સાહથી સુરતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી રાહ જોતી હોય છે. કારણ કે, આઈપીએલના દર્શકો દ્વારા પોતાની પસંદગીની ટીમના સિમ્બોલવાળી ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ ખરીદી કરવામાં આવે છે. દર્શકો માટેના આ ફેબ્રિક્સની ડિમાન્ડ પુર્ણ કરવા સુરતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં 30 ટકા જેટલું ઉત્પાદન વધી જાય છે. આમ, દર વર્ષે આઈપીએલના દર્શકો માટે કાપડ પુરું પાડી સુરતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને રૂ. 50 કરોડ જેટલો વેપાર મળી રહે છે.
ડિમાન્ડ મુજબ ગારમેન્ટ બનાવાય છે
ઓડિયન્સ માટેનું સરક્યૂલર નીટેટ કાપડ 100 ટકા પોલિએસ્ટર હોય છે. ડિમાન્ડ મુજબ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ બનાવવામાં આવે છે. સુરતમાં બનતા ગારમેન્ટની ખાસ વિશેષતા હોય છે. જેમાં ગરમીની ઋતુમાં ઠંડીનો અહેસાસ થાય છે. આ ગારમેન્ટ 90 ટકા જેટલું બેકટેરિયા સાથે લડવામાં મદદરુપ થાય છે. સુરત પોલિએસ્ટર હબ છે અને સુરતથી સસ્તુ ગારમેન્ટ બીજુ કોઈ રાજ્ય આપી શકતું નથી, એમ ગારમેન્ટ વેપારીઓનું કહેવું છે.
કોવિડ બાદ સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી વિકસી
પહેલા સુરતમાં નીટેટ ફેબ્રિક્સ ચાઈનાથી આવતું હતું. પરંતુ કોવિડ બાદ સંબંધો બગડતા સુરતના ઉદ્યોગકારો આ કાપડ બનાવવાની પ્રોસેસિંગ ટેકનિક શિખ્યા છે અને હવે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સુરતમાં ગારમેન્ટની નવી ઇન્ડસ્ટ્રી વિકસી છે. સસ્તુ, સુંદર અને ટકાઉ ગારમેન્ટ સુરતમાં મળી રહે છે. આઈપીએલ દરમિયાન 30 ટકા જેટલું ઉત્પાદન વધી જાય છે. વર્લ્ડ કપમાં પણ સુરતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને સારો ફાયદો થયો હતો.


