- હાલ એક માત્ર આર્જવ શાહ AMCના અધિકારી : બે અધિકારી ઈન્ચાર્જ DyMC
- મ્યુનિ. અધિકારીઓને પ્રમોશન, ડેપ્યુટી કમિશનરપદથી વંચિત રહેવાની નોબત
- રાજ્ય સરકારમાંથી ડે. મ્યુનિ. કમિશનરની નિમણૂંક કરવામાં આવે છે
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં GAS કેડરના વી.એમ. ઠક્કરની અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનમાં નવા ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેના પરિણામે AMCમાં ડેપ્યુટી કમિશનર બનવાની લાયકાત અને અનુભવ ધરાવતા અધિકારીઓમાં નારાજગી પ્રવર્તી રહી હોવાનું જાણવા મળે છે. આમ, મ્યુનિ. અધિકારીઓને DyMC પદથી વંચિત રહેવું પડવાને લીધે અધિકારીઓમાં અસંતોષની લાગણી જોવા મળી છે. AMCમાં ભૂતકાળમાં બે અધિકારીઓને પ્રમોશન આપીને DyMC બનાવાયા હતા અને તે પૈકી હાલ ફક્ત આર્જવ શાહ DyMC છે. જ્યારે અન્ય તમામ પણ રાજ્ય સરકારમાંથી નીમવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.માં ફરજ બજાવતા અધિકારીઓ મ્યુનિ.ની સિસ્ટમથી માહિતગાર અને વાકેફ હોવાને લીધે ભૂતકાળમાં મ્યુનિ. અધિકારીઓને જ પ્રમોશન આપીને DyMC બનાવવામાં આવતા હતા. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકારમાંથી ડે. મ્યુનિ. કમિશનરની નિમણૂંક કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકાર દ્વારા સ્વાયત્ત અને સ્થાનિક સ્વરાજની સંસ્થા ગણાતી મ્યુનિ.માં કમિશનર સિવાય બીજા સાત ડેપ્યુટી કમિશનર નીમવામાં આવ્યા છે. રાજ્ય સરકારનાં આટલા અધિકારી ડે.કમિશનર હોવા છતા ગઇકાલે ગેસ કેડરનાં વી.એમ.ઠક્કરની મ્યુનિ.માં DyMC તરીકે નિમણૂંક કરતા આદેશને પગલે ડે.કમિશનરપદ માટે વર્ષોથી દાવા કરી રહેલાં સિનિયર અધિકારીઓમાં અસંતોષની લાગણી ફેલાવા પામી છે. મ્યુનિ.ના પોતાના અધિકારી કહી શકાય તેવા એક માત્ર DyMC આર્જવ શાહ છે. આ સિવાય બે આસિસ્ટન્ટ કમિશનર રમ્ય ભટ્ટ અને વિશાલ ખનામાને ઇન્ચાર્જ DyMC બનાવાયા છે. મોટા ભાગે મ્યુનિ.ના જ અધિકારીને પ્રમોશન આપીને ડે. મ્યુનિ. કમિશનર બનાવવા જોઇએ, એવું અધિકારીઓનું કહેવું છે.


